કાઠમંડુઃ માઓવાદી નેતા પ્રચંડના નેતૃત્વની નેપાળની નવી સરકારે નવા બંધારણની વિરુદ્ધમાં થયેલા મધેશી આંદોલનમાં માર્યા ગયેલાઓના પરિવારોને દસ દસ લાખ નેપાળી રૂપિયા આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. નવા વડા પ્રધાન પુષ્પ કમલ દહલ (પ્રચંડા)ની સોગંધવિધિના બીજા જ દિવસે મળેલી પ્રધાન મંડળની પ્રથમ બેઠકમાં જ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બંધારણની વિરુદ્ધમાં ગયા વર્ષે દક્ષિણ નેપાળમાં શરૂ થયેલા અને છ મહિના સુધી ચાલેલા આંદોલનમાં આશરે ૫૦ લોકો માર્યા ગયા હતા.
એવો નિર્ણય લેવાયો હતો કે એ આંદોલનમાં માર્યા ગયેલાઓના પરિવારને દરેકને દસ દસ લાખ નેપાળી રૂપિયા અપાશે. ઉપરાંત આંદોલનમાં ઘાયલ થયેલાઓને મફતમાં સારવાર આપવા અંગે પણ નિર્ણય લેવાયો હતો. અન્ય એક મહત્ત્વના નિર્ણયમાં આંદોલન દરમિયાન જે લોકો પકડાયા હતા તેમને પણ તાત્કાલિક છોડી મૂકવામાં આવશે. સંસદમાં વડા પ્રધાનની ચૂંટણી થઈ એ પહેલાં મધેશીઓ સાથે નેપાળી કોંગ્રેસ અને સીપીએન માઓવાદીઓ વચ્ચે કરવામાં આવેલા કરાર મુજબ આ નિર્ણય લેવામાં આવ્યા હતા.