નવી દિલ્હી: અત્યાર સુધી ભારતે યુદ્ધ વિમાનો માટે અન્ય દેશો પર નિર્ભર રહેવું પડતું પણ હવે મેક ઈન ઈન્ડિયા અંતર્ગત ભારતમાં જ યુદ્ધ વિમાનોનું ઉત્પાદન થવા લાગ્યું છે. આ સ્થિતિ વચ્ચે મલેશિયાએ ભારતને ‘તેજસ’ વિમાનનો ઓર્ડર આપ્યો છે. આ માટે બંને દેશો વચ્ચે સમજૂતી થઈ રહ્યાના અહેવાલ છે.
ચીન એશિયામાં પોતાનું વર્ચસ્વ વધારી રહ્યું છે એવામાં ચીનના વિમાન જેએફ-17ને ટક્કર આપવા માટે મલેશિયાએ ભારતના ‘તેજસ’ વિમાનોનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) દ્વારા ઉત્પાદિત ‘તેજસ’ વિમાન માત્ર ચીન જ નહીં, દક્ષિણ કોરિયાના એફએ-50, રશિયાના મીગ-35 અને યાક-130ની બરાબરીના માનવામાં આવે છે.
મલેશિયા સાથેના પેકેજના ભાગરૂપે ભારતે મલેશિયાને રશિયા પાસેથી ખરીદેલા એસયુ-30 વિમાનોના રિપેરિંગ માટે એમઆરઓ (મેઈન્ટેનન્સ, રિપેર, ઓવરઓલ) યુનિટ સ્થાપવાની પણ ઓફર કર્યાના અહેવાલ છે. હાલ યુક્રેન સાથે યુદ્ધને કારણે અનેક દેશોએ રશિયા પર અનેક પ્રતિબંધો મુક્યા છે. જેને પગલે મલેશિયાએ રશિયાના આ વિમાનોના રિપેરિંગ પર હવે ભારત પર નિર્ભર રહેવું પડશે.
‘તેજસ’ વેચવા અંગેની ડીલ વિશે પૂછવામાં આવતા એચએએલના ચેરમેન માધવને કહ્યું હતું કે કેટલાક અવરોધો દૂર થઈ ગયા બાદ ડીલને અંતિમ ઓપ આપી દેવાશે તેવી મને આશા છે. જો મલેશિયાની સાથે આ ડીલને અંતિમ ઓપ આપી દેવામાં આવી તો અન્ય દેશો પણ ભારતના ‘તેજસ’ વિમાનની ખરીદીમાં રસ દાખવશે અને નિકાસનું પ્રમાણ વધી શકે છે.