મસ્કતઃ ‘છેલ્લા 45 વર્ષથી મસ્કત ગુજરાતી સમાજ ભારતથી આટલે દૂર રહીને પણ ગુજરાતની અસ્મિતા ટકાવી રાખવાના સંનિષ્ઠ પ્રયાસો કરે છે. ગુજરાતી સમાજના માધ્યમથી ગુજરાતી ભાષા અને અસ્મિતાનું ગૌરવ સમગ્ર વિશ્વમાં પ્રસરી રહ્યું છે તેનો યશ આ સંસ્થાને ફાળે જાય છે.’ મસ્કત ગુજરાતી સમાજ ઈન્ડિયન સોશિયલ ક્લબના 45મા વર્ષની મસ્કત ખાતે યોજાયેલી ઊજવણીના કાર્યક્રમમાં સંજોગોવશાત્ ઉપસ્થિત ન રહી શકેલા ભારત સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ આ મુજબ સંદેશો પાઠવીને સંસ્થાના સંસ્થાપક મહામંત્રી ચંદ્રકાંત ચોથાણીને વિશેષ અભિનંદન આપીને તેઓના માધ્યમથી ગરવી ગુજરાતનું ગૌરવ વધ્યું હોવાનું જણાવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે શેખ શેઠ શ્રી અનિલ ખીમજી, ઓમાન ખાતેના ભારતીય રાજદૂત અમિત નારંગ, અલ અન્સારી ગ્રૂપના ફાઉન્ડર કિરણ આશર, દિલીપ મહેતા, અનિલ વાઢેર અને ડો. સતિષ નામ્બીયાર તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ સમાજના સંસ્થાપક મહામંત્રી ચંદ્રકાંત ચોથાણીએ સૌને પ્રસંગ પરિચય આપતાં સાડા ચાર દાયકામાં આ સંસ્થાને વટવૃક્ષ બનાવવામાં તમામ બોર્ડ મેમ્બર અને કમિટી મેમ્બર સહિતના અનેકોનેકનો અનન્ય સહયોગ મળ્યો હોવાનું જણાવીને સૌનો ઋણ સ્વીકાર કર્યો હતો.
આ પ્રસંગે શ્રી ચોથાણીએ પોતાની સેવાનિવૃત્તિ ઈચ્છા પ્રગટ કરી, પરંતુ એકી અવાજે સૌ ઉપસ્થિતોએ તેઓમાં રહેલી કાર્યકુશળતા અને સેવા પરાયણતાનો પડઘો પાડ્યો હતો. ચોથાણીએ પણ શક્ય તે રીતે સંસ્થાના કાર્યોમાં ઉપયોગી થવાની તત્પરતા બતાવી હતી.
આ પ્રસંગે મસ્કત ગુજરાતી સમાજના 45 વર્ષના ગૌરવગાથા ગ્રંથ (સોવેનિયર)નું વિમોચન ભારતીય રાજદૂત અમિત નારંગ અને તેમના ધર્મપત્ની દિવ્યા નારંગના હસ્તે કરાયું હતું. નવા વરાયેલા પ્રમુખ અરવિંદ ટોપરાણી અને મહામંત્રી કલાબહેન વેદે સંસ્થાને વધુ ઊંચાઈએ લઈ જવાના ભગીરથ પ્રયાસો કરી છૂટવા સૌને અપીલ કરી હતી. કાર્યક્રમના પ્રારંભે ભારતીય રાજદૂત અમિત નારંગ, ડો. સતિષ નામ્બીયાર, કિરણ આશર વગેરેએ આ આયોજનને બિરદાવીને સંસ્થાની અનેકવિધ પ્રવૃત્તિઓની સુખદ નોંધ લીધી હતી. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત પી.પી. પટેલે પોતાના મંતવ્યમાં મસ્કત ગુજરાતી સમાજના પાયામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપીને અવિરતપણે પ્રદાન કરનાર ચંદ્રકાંત ચોથાણીને વિશેષ બિરદાવ્યા હતા. કચ્છમાંથી ઉપસ્થિત ‘ગ્લોબલ કચ્છ’ના અગ્રણી મયંકભાઈ ગાંધીએ કચ્છમાં જળસંચય અંગે થતા કાર્યોની માહિતી આપી હતી. આ અવસરે વિવિધ હોદ્દેદારો અને કર્મશીલોનું મોમેન્ટો આપીને અભિવાદન કરાયું હતું.
કાર્યક્રમના બીજા ચરણમાં લોકલાડીલા કલાકાર ઓસમાણ મીરે ગઝલો, ભજનો અને લોકગીતોની સંગીતમય પ્રસ્તુતિ કરીને સૌને ડોલાવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન કરતાં લોકસાહિત્યકાર ગોરધન પટેલ ‘કવિ’એ સંસ્થાના 45મા વર્ષની ઊજવણી, ભારતની આઝાદીનું અમૃતપર્વ અને વિશ્વ રંગભૂમિ દિનના ત્રિવેણી સંગમમાં આ આયોજનને સિમાચિહ્નરૂપ ગણાવ્યું હતું.