સાલેમઃ વિશ્વમાં સૌથી ઝડપી કાર ચલાવનારી મહિલા તરીકેનો વિશ્વવિક્રમ બે વખત તોડનારી અમેરિકાની ૩૬ વર્ષીય જેસ્સી કોમ્બ્સે પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ તોડવાના પ્રયાસમાં ૨૯મી ઓગસ્ટે જીવ ગુમાવ્યો હતો. જેસ્સીએ વર્ષ ૨૦૧૬માં ઓરેગોનમાં આવેલા અલ્વોર્ડ ડેઝર્ટમાં આશરે ૪૭૮ માઇલ પ્રતિ કલાક (આશરે ૭૬૯.૨૭) કિમીની ઝડપે કાર ચલાવીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. તે જ ડેઝર્ટમાં નવો વિશ્વવિક્રમ સર્જવાના પ્રયાસમાં તેણે તેની જેટ એન્જિનવાળી કાર પર નિયંત્રણ ગુમાવ્યું હતું અને અકસ્માતમાં તેનું મોત નીપજ્યું હતું.
ફાસ્ટેસ્ટ વિમેન ઓન ફોર વ્હિલ તરીકે ઓળખાતી કોમ્બસે ૨૦૧૩માં નોર્થ અમેરિકન ઈગલ સુપરસોનિક સ્પીડ ચેલેન્જ અંતર્ગત ૩૯૩ માઇલ પ્રતિ કલાક ૬૩૨.૪૭ કિમીની ઝડપે કાર ચલાવીને ૪૮ વર્ષ જૂને વર્લ્ડરેકોર્ડ તોડી નાંખ્યો હતો. આ પછી તેણે ૨૦૧૬માં ૪૭૮ માઈલ પ્રતિ કલાક આશરે ૭૬૯.૨૭ કિ.મીની ઝડપે કાર ચલાવીને પોતાનો જ રેકોર્ડ તોડી નાંખ્યો હતો. હવે તે તેનો જ રેકોર્ડ ૪૮૩ માઇલ પ્રતિ કલાક ૭૭૭.૩૧ કિમીની ઝડપનો નવો કીર્તિમાન સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી હતી.
કોમ્બ્સના ક્રૂમાં સામેલ ટેરી માડ્ડેને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી તેના મૃત્યુના સમાચારને સમર્થન આપ્યું હતું. તેમણે લોકોને અપીલ કરી હતી કે કોમ્બ્સના સંદર્ભે ડોનેશન માગતી અપીલો બનાવટી એકાઉન્ટ્સથી થશે જેમાં કોઈએ ડોનેશન આપવું નહીં.