સુદાનઃ આફ્રિકાના સુદાનમાં સ્થાનિક કોર્ટે એક મહિલાની હત્યા કરવાના કેસમાં એક ઘેટાને ગુનેગાર ઠરાવીને તેને 3 વર્ષની કેદની સજા ફટકારી છે. તો શું ઘેટાને જેલમાં સળિયા પાછળ ધકેલી દેવાશે? ના... તો પછી કોર્ટના આદેશનું પાલન કઇ રીતે થશે? ઘેટાને જેલ જેવા વિશેષ કેમ્પમાં રાખવામાં આવશે. વાત ઘેટાની સજાથી પૂરી નથી થતી. કોર્ટે ઘેટાના માલિકને પણ સજા ફરમાવી છે. કોર્ટે આદેશ કર્યો છે કે ઘેટાના માલિક માટે સજા એ છે કે 3 વર્ષની સજા પૂર્ણ થયા પછી ઘેટાને મૃતક મહિલાના પરિવારને સોંપી દેવું, સાથે સાથે જ પાંચ ગાય ખરીદીને મૃતક મહિલાના પરિવારને આપવાની રહેશે.
હત્યાના આ ગુનાની પ્રાપ્ત માહિતી અનુસાર, ગુનેગાર ઠરાવવામાં આવેલા ઘેટાએ માથાની ભેટી મારીને 40 વર્ષની મહિલાને નીચે પછાડી દીધી હતી અને પછી નીચે પડેલી મહિલાને ત્યાં સુધી પોતાના અણીદાર શિંગડાં મારતું રહ્યું જ્યાં સુધી તે મહિલાનું મૃત્યુ ના નીપજ્યું. આ ઘટના અંગે મહિલાના પરિવારજનોએ અદાલતમાં ધા નાંખીને ઘેટા તથા તેના માલિક સામે ફરિયાદ નોંધાવી હતી. કોર્ટે બધા સાક્ષીઓની જુબાની સાંભળી, ઉલટતપાસ પણ લેવામાં આવી અને આખરે ઘેટાને દોષિત ઠરાવીને સજા ફટકારવામાં આવી છે.