નવી દિલ્હીઃ ચીનના બેઇજિંગ સ્થિત એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્કના વાઇસ પ્રેસિડેન્ટ પદે ભારતીય રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલની વરણી કરાઇ છે. ૫૮ વર્ષના ઉર્જિત પટેલ ત્રણ વર્ષના કાર્યકાળ સાથે આ બેન્કના પાંચ વાઇસ પ્રેસિડેન્ટમાંના એક હશે. તેઓ આવતા મહિને તેમના હોદ્દાનો કાર્યભાર સંભાળશે. એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેન્કમાં ભારત સ્થાપક સભ્ય છે અને ચીન પછી બીજા નંબરે સૌથી વધુ વોટીંગ શેર ધરાવે છે. આ બેન્કનું નેતૃત્વ ચીનના ભૂતપૂર્વ નાણાપ્રધાન જિન લિક્વન કરી રહ્યા છે.
ઉર્જિત પટેલ ગુજરાત કેડરના નિવૃત્ત આઇએએસ ઓફિસર ડી. જે. પાંડિયનના અનુગામ બનશે, જેઓ સાઉથ એશિયા, પેસિફિક ટાપુઓ અને સાઉથ-ઇસ્ટ એશિયામાં બેન્કના સાર્વભૌમ અને બિનસાર્વભૌમ ધિરાણનો હવાલો સંભાળે છે.
પાંડિયન બેઇજિંગમાં નિયુક્તિ પૂર્વે ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકે ફરજ બજાવી ચૂક્યાં છે. તેઓ આ મહિનાના અંત સમયમાં ભારત પાછા ફરશે. બીજી તરફ ઉર્જિત પટેલે પાંચમી સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ રઘુરામ રાજનના સ્થાને ભારતીય રિઝર્વ બેન્કના ૨૪મા ગવર્નર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.
ઉર્જિત પટેલે ડિસેમ્બર ૨૦૧૮માં વ્યકિતગત કારણોસર રાજીનામું આપ્યું હતું. તેમણે જ્યારે ગવર્નરનો કાર્યભાર સંભાળ્યો તે પહેલાં તેઓ રિઝર્વ બેન્કમાં નાણાકીય નીતિ વિભાગની દેખરેખ રાખતા ડેપ્યુટી ગવર્નર હતા. તેઓ ઇન્ફ્લેશન-વોરિયર તરીકે જાણીતા હતા. ઉર્જિત પટેલ અગાઉ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ), બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે કામ કરી ચૂક્યાં છે.
ભારત સૌથી મોટું લાભાર્થી
તેમની આ બેન્કમાં નિયુક્તિને મહત્વની ગણવામાં આવે છે, કારણ કે ભારત ૨૮ પ્રોજેક્ટ માટે ૬.૭ બિલિયન ડોલરનું ભંડોળ મેળવીને તેના સૌથી મોટા લાભાર્થી તરીકે ઉભરી આવ્યું છે. આ ઉપરાંત આ બેન્ક કોવિડની વેક્સિન ખરીદવા માટે ભારત માટે બે બિલિયન ડોલરની લોનની પ્રક્રિયા કરી રહી છે, જે પૈકી મનીલા સ્થિત એશિયન ડેવલપમેન્ટ બેન્ક (એડીબી) ૧.૫ બિલિયન ડોલરનું તેમજ આ બેન્ક ૫૦૦ મિલિયન ડોલર આપવાનું વિચારી રહી છે.
આ બેન્કે તાજેતરમાં ચેન્નાઇ મેટ્રો રેલ સિસ્ટમના વિસ્તરણ માટે ૩૫૬.૬૭ મિલિયન ડોલરની લોન આપી હતી. આ બેન્કે બેંગલૂરુ મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે પણ ફંડ આપ્યું છે.
બેન્કનો વ્યાપ વધી રહ્યો છેઃ પાંડિયન
વિદાય લઇ રહેલા પાંડિયનનું કહેવું છે કે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક હવે એશિયામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની લીડ ફાઇનાન્સર બનીને બહુપક્ષીય બેન્ક તરીકે ઉભરી છે. યુએસ અને જાપાન સિવાય મોટા ભાગના વિકસિત અને વિકાસશીલ દેશો આ બેન્કમાં જોડાયા છે. તેમણે કહ્યું કે અમે જાન્યુઆરી ૨૦૧૬માં બેઇજિંગમાં કામગીરી શરૂ કરી હતી અને ત્યારથી વિશ્વભરમાં તેના ૧૫૦ માન્ય સભ્યો થઇ ચૂક્યાં છે. અમે ૧૦૦ બિલિયન ડોલરનું મૂડીરોકાણ કર્યું છે અને મુખ્ય આંતરરાષ્ટ્રીય ક્રેડિટ રેટિંગ એજન્સીઓ દ્વારા તે ટ્રિપલ-એ-રેટેડ છે.
ઉર્જિત પટેલ મહુધાના વતની
રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલનું વતન ખેડા-નડિયાદ પાસે આવેલું મહુધા છે. ઉર્જિત પટેલનો જન્મ નૈરોબીમાં થયો હતો, પણ ઉર્જિતના પિતરાઈ ભાઈઓ અને સગાસંબંધીઓ મહુધામાં આજે પણ રહે છે. નોટબંધીનો બહુચર્ચિત નિર્ણય રિઝર્વ બેન્કના ગવર્નર તરીકેના તેમના કાર્યકાળમાં જ લેવાયો હતો.
મહુધા ગામમાં ટાવર પાસે આવેલા અંબે માતાના ફળિયામાં ખેડૂત જગદીશભાઇ ડાહ્યાભાઇ પટેલ રહે છે. ઉર્જિત પટેલ આ જગદીશભાઇના સગા કાકા પરષોત્તમભાઇના પૌત્ર છે. ખેતીકામ કરતા જગદીશભાઈએ એક વખત જણાવ્યું હતું તેમ ઉર્જિતભાઇ સહુ સાથે ગુજરાતીમાં જ વાતો કરે. સવારે દૂધને ભાખરી ખાઇને નીકળે તો રાત્રે આવવાનું ઠેકાણું હોતું નથી.