બાંગ્લાદેશઃ ખુલનાના ૨૫ વર્ષીય જુવાન અબુલ બજંદર છેલ્લા સાત વર્ષથી અત્યંત વિચિત્ર બીમારીથી પીડાઈ રહ્યો છે. તેના બન્ને હાથ અને હવે પગ પણ વૃક્ષની ડાળખીઓ જેવી વિકૃતિમાં પલટાઈ રહ્યા છે. આ બીમારીને ડર્મેટોલોજિસ્ટો દ્વારા એપિડર્મોડિસ્પાઝિયા વેરુસિફોર્મિસ તરીકે ઓળખાવવામાં આવી છે. વારસાગત રીતે આવતી આ બીમારી જનીનોમાં રહેલી ખામીને કારણે થાય છે. અગાઉ ઇન્ડોનેશિયામાં પણ આ જ બીમારીથી પીડાતી એક વ્યક્તિનું અવસાન થઈ ચૂક્યું છે. હવે અબુલ સાથે પણ એવું ન બને એ માટે તેને બાંગ્લાદેશની ઢાકા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. અબુલ અત્યાર સુધી રિક્ષા ખેંચીને ગુજરાન ચલાવતો હતો, પરંતુ આ તકલીફે તેને રોજિંદા કામ કરવામાંથી તદ્દન નકામો કરી મૂક્યો છે.