માતાની શિખામણ પર વિશ્વાસઃ કમલા હેરિસ

Wednesday 30th January 2019 06:56 EST
 
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં આગામી વર્ષે પ્રમુખદની ચૂંટણી યોજાવાની છે. અમેરિકામાં ભારતીય સાંસદ કમલા હેરિસે પ્રમુખપદની ચૂંટણી માટે રેલીઓ આરંભી દીધી છે. હિંદુ સાંસદ તુલસી ગેબાર્ડ બીજી ફેબ્રુઆરીથી રેલીનો પ્રારંભ કરશે. હેરિસ કેલિફોર્નિયા ને તુલસી હવાઈથી ડેમોક્રેટિક પક્ષનાં સાંસદ છે. હેરિસે રવિવારે હોમટાઉન ઓકલન્ડમાં અંદાજે ૩૦ મિનિટ ભાષણ આપ્યું. રેલીમાં અંદાજે ૨૦ હજાર લોકો હતા. હેરિસે કહ્યુંકે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ચૂંટણી લડવી સરળ નહીં હોય. મારી માતા શ્યામલા ગોપાલન કહેતી હતા કે હાથ પર હાથ રાખીને બેસવાથી કામ નહીં ચાલે. હું માતા તરફથી મળેલી શીખ સાથે પ્રમુખપદની દાવેદારી કરું છું. મને અમેરિકા પ્રત્યે પ્રેમ છે. હેરિસે ટ્રમ્પની ટીકા કરતા કહ્યું કે મેક્સિકો સરહદ પર દીવાલ બનાવવાની ટ્રમ્પની જીદ લોકતંત્ર પર હુમલો છે.

૨૪ કલાકમાં ૧૦ કરોડ એકઠા

કમલા હેરિસે રાષ્ટ્ર પ્રમુખની દાવેદારીની ઘોષણા કર્યાના ૨૪ કલાકમાં ૧૫ લાખ ડોલરથી વધુ રકમ એકઠી કરી. તેમણે કહ્યું કે તેઓ એવા દિવસે દાવેદારીની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે કે જ્યારે અમેરિકા મહાત્મા ગાંધીથી પ્રેરિત માર્ટિન લ્યુથર કિંગ જુનિયર દિવસનો જશ્ન મનાવી રહ્યું છે. મીડિયા રિપોટસ મુજબ હેરિસે એબીસીના ‘ગુડ મોર્નિંગ અમેરિકા’ કાર્યક્રમમાં જાહેરાત કર્યાના ૨૪ કલાકની અંદર ૩૮ હજાર દાતાઓએ તેમના અભિયાન માટે રૂ. ૧૦.૬૯ કરોડ આપ્યા. કમલાએ એની જાહેરાત સોશિયલ મીડિયા પર પણ કરી હતી અને તેને સહકાર બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.

કમલાની માતા ચેન્નઈથી આવી હતી

કમલા હેરિસ કેલિફોર્નિયાથી ડેમોક્રેટિક પક્ષનાં સાંસદ છે. પૂર્વ પ્રમુખ બરાક ઓબામા જેવી છબીના કારણે લોકો તેમને લેડી ઓબામા કહે છે. હેરિસની માતા શ્યામલા ગોપાલન ૧૯૬૦માં ચેન્નઈથી અમેરિકા આવ્યાં હતાં. બ્રેસ્ટ કેન્સર સાયન્ટિસ્ટ બન્યા પછી તેમણે અમેરિકાનું નાગરિકત્વ મેળવ્યું હતું. પિતા ડોનાલ્ડ હેરિસ જમૈકાના નિવાસી હતા.

તુલસીને હિન્દુ હોવાથી ભારતીયોનો ટેકો

તુલસી ગબાર્ડ હવાઈ રાજ્યમાંથી ડેમોક્રેટ સાંસદ છે. તુલસીના પિતા માઈક ગેબાર્ડ પણ અહીંથી સાંસદ બન્યા હતા. માતા કેરોલ પોટર્ટરે હિન્દુ ધર્મ અપનાવ્યો હતો. તુલસીએ પણ તે સ્વીકાર્યો છે. તુલસી ભારતીય નથી. હિન્દુ હોવાના કારણે તેમને ભારતીયોનું સમર્થન મળ્યું છે. તેઓ પહેલા અમેરિકન હિન્દુ સાંસદ છે.

મોદીને હિન્દુ વોટ ને મારા પર સવાલ?

અમેરિકન સાંસદ તુલસી ગેબાર્ડે રિલિજયસ ન્યૂઝ સર્વિસિસના લેખમાં કહ્યું કે કેટલાક લોકો મને હિન્દુ રાષ્ટ્રવાદી કહે છે. તેમને મારી ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત પસંદ નથી આવી. આ લોકોએ મોદીને મળનારા હિન્દુ ન હોય તેવા નેતાઓ પર ક્યારે સવાલ નથી ઉઠાવ્યો. આ બેવડો માપદંડ અને ધર્માંધતા છે. મોદી સાથે તો પૂર્વ પ્રમુખ બરાક ઓબામા, હિલેરી ક્લિન્ટન, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય અનેક સાંસદ મુલાકાત કરી ચૂક્યા છે. તો પછી મારા માટે કેમ સવાલ? જોકે મને અમેરિકન હિંદુ હોવાનો ગર્વ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter