વોશિંગ્ટનઃ દરિયાપારના દેશમાં જઇને વસવાટ કરવા ઇચ્છતા ભારતીયોની પહેલી પસંદ હંમેશા અમેરિકા રહી છે. અને આ માટે તેઓ ગેરકાયદે માર્ગ અપનાવતાં પણ ખચકાતા નથી.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, અમેરિકામાં ‘ડંકી રૂટ’ મારફતે ગેરકાયદે ભારતીય ઈમિગ્રન્ટ્સની રેકોર્ડ એન્ટ્રી થઈ છે. આ વર્ષની વાત કરીએ તો પ્રથમ ત્રણ માસ - માર્ચ 2024 સુધીમાં 43,152 ભારતીય સરહદ પરથી ઘૂસણખોરી કરીને અમેરિકામાં પ્રવેશ્યા છે.
રાષ્ટ્રપતિ જો બાઈડેન ગેરકાયદે શરણાર્થીઓ સામે કડક નિયમો લાવ્યા છે. ગૃહ મંત્રાલય દ્વારા તૈયાર કરાયેલા નવા નિયમો અનુસાર, જો કોઈ ગેરકાયદે સ્થળાંતર કરનારનો ગુનાહિત રેકોર્ડ હશે તો તેને અમેરિકામાં આશ્રય માટે અરજી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
નવા નિયમો અનુસાર, ગુનાહિત રેકોર્ડ ધરાવતા ગેરકાયદે શરણાર્થીઓને તેમના મૂળ દેશમાં પરત મોકલી દેવાશે. આવા શરણાર્થીઓને આશ્રય અરજીઓ પર પ્રક્રિયા ન થાય ત્યાં સુધી અમેરિકામાં રહેવાની છૂટ મળે છે, પરંતુ સુનાવણી દરમિયાન તેઓ અમેરિકામાં ‘ગાયબ’ થઈ જાય છે.
ઘૂસણખોરીનું કૌભાંડ કઇ રીતે ચાલે છે?
આ અહેવાલ અનુસાર, અમેરિકામાં ગેરકાયદે એન્ટ્રી માટે મેક્સિકો બોર્ડર પર 80 લાખ વસૂલવામાં આવે છે. અમેરિકામાં દક્ષિણ બોર્ડરથી વધુ ઘૂસણખોરી થાય છે. અહેવાલમાં જણાવાયું છે તે મુજબ કેનેડા સરહદેથી 30,010ની જ્યારે દક્ષિણ મેક્સિકો સરહદેથી 66,907 લોકોએ ગેરકાયદે પ્રવેશ કર્યો છે.
• પ્રથમ તબક્કોઃ ગુજરાત અને પંજાબ જેવા રાજ્યોમાં એજન્ટો વ્યક્તિ દીઠ રૂ. 80 લાખ સુધી વસૂલે છે.
• બીજો તબક્કોઃ લોકોને દુબઈ, ફ્રાન્સ, વેસ્ટ ઇન્ડિઝ અથવા અન્ય કેરેબિયન દેશોમાં લઈ જવામાં આવે છે.
• ત્રીજો તબક્કોઃ આ સૌથી કઠિન તબક્કો છે. ઘૂસણખોરી મેક્સિકો-કેનેડા બોર્ડર પરથી કરવામાં આવે છે. આ માટે ગેરકાયદે ઘૂસણખોરને માઈલો સુધી પગપાળા મુસાફરી કરવી પડે છે.