લંડનઃ ખાનગી માલિકીના બોઈંગ 747 જમ્બો નેટ વિમાનને આખરે ભંગારવાડે મોકલી દેવાયું છે. નવાઈની વાત એ છે કે આ બોઈંગ બિઝનેસ જેટ - BBJ વિમાને માત્ર 16 ફ્લાઈટ માટે 30 કલાક હવાઈ ઉડ્ડયનો કર્યા હતા. સાઉદી રાજવી પરિવારના સભ્યનું મનાતુ આ 465 મિલિયન પાઉન્ડ (560 મિલિયન ડોલર)ની કિંમતનું ખાનગી જમ્બો જેટ ફ્રાન્સ, સ્વિટ્ઝર્લેન્ડ અને જર્મની વચ્ચેની સરહદે ફ્રેઈબર્ગના યુરોએરપોર્ટ બેઝલ મુલહાઉસ ખાતે લગભગ 10 વર્ષ સુધી ટાર્મેક પર પડી રહ્યું હતું.
જમ્બો જેટ માટે નવો ખરીદાર મળી શકે તે માટે તેને ભવ્ય રંગરોગાન અને ઈન્ટિરિયરથી સજ્જ કરવાની યોજના નિષ્ફળ ગયા પછી તેને એરિઝોનાના પિનાલ એકપાર્કના ભંગારવાડા ખાતે મોકલી દેવાયું હતું જ્યાં નકામા બની ગયેલા વિમાનોના સ્પેરપાર્ટ્સ કાઢી લેવાય છે. વાસ્તવમાં તેના સ્પેરપાર્ટ્સ અને ખાસ કરીને એન્જિન્સની કિંમત જ વિમાનની કિંમત કરતાં વધુ મળે છે. આ વિમાનોની સંખ્યા મર્યાદિત હોવાં છતાં, તેની સજાવટ ભારે મુશ્કેલ બની રહે છે અને તેની પાછળ 50 મિલિયન ડોલર સુધીનો ખર્ચ થઈ શકે છે. નવાંનક્કોર એરક્રાફ્ટ હોવાં છતાં, તેની વૈકલ્પિક ઉપયોગિતા પણ મર્યાદિત રહે છે.
વિશ્વમાં માત્ર 10 આવા ખાનગી માલિકીના બોઈંગ બિઝનેસ જેટ વિમાન છે અને આ પહેલું જ વિમાન છે જેને નિવૃત કરી દેવાયું છે. વિસ્તૃત સુધારાવધારા કરાયેલા આ વિમાનમાં કેબિન સ્પેસ જ 5,000 સ્ક્વેર ફીટની છે. ખરેખર તેની ખરીદી કોણ કરે છે તે સ્પષ્ટ નથી. આટલા વિશાળ જેટ્સ ખાનગી વિમાનો છે અને તેમના ઓપરરેટર્સ કે ખરીદાર મોટા ભાગે શાહી પરિવારો, દેશોની સરકારો અને હાઈ નેટ વર્થ કોર્પોરેટ ક્લાયન્ટ્સ જ હોઈ શકે છે.