ન્યૂ યોર્કઃ એ દિવસો દૂર નથી જ્યારે તમે ન્યૂ યોર્કથી લંડન માત્ર 80 મનિટમાં પહોંચી જશો, અને આ શક્ય બનશે હાઈટેક સુપરસોનિક વિમાનમાં પ્રવાસથી. 4000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ સુપરસોનિક વિમાન હજારો કિલોમીટરની યાત્રા ગણતરીની મિનિટોમાં જ પૂરી કરશે. આ વિમાનની ઝડપ અવાજની ઝડપ કરતા ત્રણ ગણી વધારે છે. એકસાથે 170 મુસાફર બેસી શકે તેવી ક્ષમતા ધરાવતા આ સુપસોનિક વિમાનની ઝડપ 4000 / પ્રતિ કલાક અથવા બીજા શબ્દોમાં કહીએ તો અવાજની ઝડપ કરતાં ત્રણ ગણી વધારે છે. એનો અર્થ છે કે ન્યૂ યોર્કથી લંડન પહોંચવા માટે જો તમારે 5570 કિલોમીટરનું અંતર પાર કરવું હોય તો આ ફ્લાઈટ દોઢ કલાક કરતાં પણ ઓછા સમયમાં પહોંચી જશે. અત્યારે બોઈંગ 777ને સામાન્ય પ્રવાસમાં આઠ કલાકનો સમય લાગે છે.
સુપરસોનિક વિમાનની સમસ્યા
સુપરસોનિક વિમાનો અવાજની ઝડપથી કરતા વધારે ગતિથી યાત્રા કરે છે. જોકે આ સુપર જેટ્સને સંચાલિત કરવામાં ઘણા પડકારો છે. સુરક્ષા અને ખર્ચ ઉપરાંત સુપરસોનિક ફ્લાઈટ જોરદાર પર્યાવરણ પ્રદૂષણ ફેલાવે છે. તે સિવાય આ ફ્લાઈટો માટે ખૂબ વધારે જેટ ફ્યૂઅલની જરૂર રહે છે. સાથે જ તેની કેબિનની અંદર એન્જિનનો અવાજ ખૂબ વધારે હોય છે. ઉપરાંત તેનો સૌથી મોટો પડકાર સોનિક બૂમની સમસ્યા છે. સોનિક બૂમ એક જોરદાર, વિસ્ફોટક અવાજ છે જે કોઈ વિમાનના શોકવેવ દ્વારા પેદા થાય છે જ્યારે વિમાનની ઝડપ અવાજ કરતા વધારે થાય ત્યારે આ અવાજ થતો હોય છે. મોટા સુપરસોનિક વિમાન દ્વારા ઉત્પન્ન થતી સોનિક બૂમ સૂઈ રહેલા લોકોને પરેશાન કરી શકે છે તો આસપાસની ઇમારતોને નુકસાન પહોંચાડી શકે છે.
2029માં સુપરસોનિક લોન્ચ થશે
ઘણી કંપનીઓ નજીકના ભવિષ્યમાં સુપરસોનિક વિમાન બનાવવાની યોજના ઘડી રહી છે. ગત જૂનમાં વૈશ્વિક એરલાઈન્સ યુનાઇટેડ એરલાઈન્સે 2029 સુધીમાં બૂમ સુપરસોનિક લોન્ચ કરવા માટે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. વર્જિન ગેલેક્ટિકે રોલ્સ-રોયસ સાથે મળીને એક સુપરસોનિક વિમાન લોન્ચ કરવાની જાહેરાત કરી છે.