લંડનઃ પાંચ વર્ષની બાળાઓ માટે જીવન રમત અને સ્વપ્નોમાં વિહરવાનું હોય છે પરંતુ, પેરુના નાના પર્વતાળ ગામની પાંચ વર્ષીય બાળા અને હાલમાં ૮૮ વર્ષની વૃદ્ધા લિના મેડિના માટે બાળજીવન અલગ જ હતું કારણ કે તે વિશ્વના માનવ ઈતિહાસમાં સૌથી નાની ‘બાળમાતા’ બની ગઈ હતી. લિનાએ ૧૪ મે, ૧૯૩૯ના દિવસે બાળકને જન્મ આપ્યો હતો. તેના નિતંબના હાડકા અવિકસિત હોવાથી કુદરતી રીતે જન્મ આપી શકાય તેમ ન હોવાથી સિઝેરિયન દ્વારા બાળકને લેવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વમાં આ સમાચાર આગની જેમ ફેલાઇ ગયા હતા, જોકે લિના હંમેશાં પબ્લિસિટીથી દૂર રહી હતી અને તેણે કોઈ ઈન્ટરવ્યૂ પણ આપ્યા ન હતા.
આ વાત ૮૩ વર્ષ પહેલાની છે. વર્ષ ૧૯૩૩માં લિનાએ પેટમાં દુઃખાવાની ફરિયાદ કરી ત્યારે તેની માતા પુત્રીના ઉપસેલાં પેટ સાથે ડોક્ટર પાસે ગઈ. ડોક્ટર્સને પહેલા તો પેટમાં મોટી ગાંઠ હોવાનો ભય લાગ્યો પરંતુ, તપાસ પછી સમજાયું કે પાંચ વર્ષીય લિના સાત માસની સગર્ભા છે. લિનાના પ્રજનન-જાતીય અંગો પરિપક્વ હતા અને તે વયની સરખામણીએ વહેલી પુખ્તાવસ્થાની હાલત ધરાવતી હતી.
એમ કહેવાય છે કે લિના ત્રણ વર્ષની વયે માસિકમાં આવતી થઈ હતી અને ચાર વર્ષની વય સુધીમાં તો તેના સ્તન સંપૂર્ણપણે વિકસી ગયા હોવાનું તેની માતાના ધ્યાને આવ્યું હતું. પેરુના અન્ય મેડિકલ રિપોર્ટ મુજબ તો લિના માત્ર આઠ મહિનાની હતી ત્યારથી જ તેને માસિક આવવા લાગ્યું હતું જે તેની માતાના દાવાથી વિરોધાભાસી હતું. લિનાએ જે સંતાનને જન્મ આપ્યો તેનું નામ ડિલિવરી કરાવનારા ડોક્ટરના માનમાં ગેરાર્ડો રાખવામાં આવ્યું હતું. લિના પર કોણે બળાત્કાર કર્યો હતો તે કદી જાહેર થયું નથી. એક વ્યક્તિની ધરપકડ કરાઈ હતી પરંતુ, પુરાવાના અભાવે તેને છોડી દેવાયો હતો.
મેડિકલ જર્નલમાં આ કેસ લખનાર ડો. એડમુન્ડો એસ્કોમેલે જણાવ્યું હતું કે બાળકના પિતા બાબતે લિના કોઈ ચોક્કસ ઉત્તર આપી શકતી નથી. ડોક્ટરોએ કહ્યું હતું કે જ્યારે લિના સાથે સમાગમ કરાયો ત્યારે તે માત્ર ચાર વર્ષની હતી અને તેની વય ઘણી નાની હોવાથી જવાબદાર વ્યક્તિ વિશે તે જાણતી ન હોય તે શક્ય છે.
પેરુના સૌથી ગરીબ પ્રાંતમાં એન્ડિસ પર્વતમાળાના ૭૪૦૦ ફૂટની ઊંચાઈએ આવેલા ટિક્રાપો ગામના પરિવારમાં જન્મેલા નવ બાળકોમાંની એક લિના હતી. લિનાનો પુત્ર ગેરાર્ડો શરૂઆતમાં તેને પોતાની બહેન જ માનતો હતો પરંતુ, તે ૧૦ વર્ષનો થયો ત્યારે તેને સાચા સંબંધની જાણકારી અપાઈ હતી. ગેરાર્ડોના જન્મના બે વર્ષ પછી કોલમ્બિયા યુનિવર્સિટીના ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ પોલ કોસાકે પરિવારની મુલાકાત લીધા પછી લિના સામાન્ય કરતાં વધુ બુદ્ધિશાળી અને તેનું સંતાન સંપૂર્ણપણે નોર્મલ હોવાનું જણાવ્યું હતું. લિનાએ ૧૯૭૦ના દાયકામાં રાઓલ સાથે લગ્ન કર્યાં હતાં અને ૩૯ વર્ષની વયે બીજા પુત્રને જન્મ આપ્યો હતો.