મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયામાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટની સ્પીડનો વિશ્વવિક્રમ રચાયો છે. વિજ્ઞાનીઓએ મેળવેલી એ વિક્રમસર્જક ઇન્ટરનેટ સ્પીડ એટલી તો તેજ છે કે એક સેકન્ડમાં તો એકાદ-બે નહીં ૧૦૦૦ HD મૂવી ડાઉનલોડ થઈ જાય! મોનાશ યુનિવર્સિટી, સ્વિનબર્ન યુનિવર્સિટી અને આરએમઆઇટી યુનિવર્સિટીની ટીમે પ્રતિ સેકન્ડ ૪૪.૨ ટેરાબાઇટ્સ (ટીબી)ની પ્રચંડ ઝડપ મેળવી હતી. આટલી ઇન્ટરનેટ સ્પીડ વિશ્વમાં પહેલી વખત મળી છે!
ઓસ્ટ્રેલિયામાં બ્રોડબેન્ડની સરેરાશ સ્પીડ પ્રતિ સેકન્ડ લગભગ ૧૧ મેગાબાઇટ્સ (એમબી)ની છે, તેની સામે આ સ્પીડ તો અધધધ કહી શકાય તેટલી છે. બીજા શબ્દોમાં સરખામણી કરવી હોય તો કહી શકાય કે એક ટેરાબાઇટમાં ૧૦ લાખ મેગાબાઇટ્સ હોય છે. આમ ૪૪.૨ ટેરાબાઇટ્સ એટલે કે ઓસ્ટ્રેલિયામાં ઉપલબ્ધ બ્રોડબેન્ડ ઇન્ટરનેટની સરેરાશ સ્પીડ કરતાં આ સ્પીડ ૪૦ લાખ ગણી વધુ છે.
ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું અપગ્રેડેશન સમયની માગ
આ પ્રયોગ સાથે જોડાયેલા ડો. બિલ કોરકોરાન કહે છે કે, અભ્યાસના તારણ દર્શાવે છે કે, નેટફ્લિક્સથી માંડીને સેલ્ફ ડ્રાઇવિંગ કાર સુધીની તમામ આધુનિક સુવિધાઓ માટે ઇન્ટરનેટ જોડાણની માંગ વધી રહી છે. આ માગને સંતોષવા માટે ઇન્ટરનેટના હાલના માળખાને અપગ્રેડ કરવાની જરૂર છે. ઇન્ટરનેટની વધતી માગ દર્શાવે છે કે આપણી ઇન્ટરનેટ કનેક્ટિવિટીની ક્ષમતાને પાર કરવાની જરૂર છે.
નખથી નાનું ડિવાઇસ, પણ ક્ષમતા ધરખમ
આ અભ્યાસ માટે વિજ્ઞાનીઓએ માઇક્રો કોમ્બ તરીકે ઓળખાતા ૮૦ લેસર સાથેના એક ડિવાઇસના સ્થાને નવીન ડિવાઇસનો ઉપયોગ કર્યો હતો, જે હાલમાં ઉપયોગમાં લેવાતા ટેલિકોમ્યુનિકેશન્સ હાર્ડવેર કરતાં એકદમ નાનું અને વજનમાં હલકું છે. સરખામણી કરવી હોય તો કહી શકાય કે આ તેનું કદ આપણી આંગળીના નખ કરતાં પણ નાનું છે. ઓસ્ટ્રેલિયન નેશનલ બ્રોડબેન્ડ નેટવર્ક દ્વારા ઉપયોગમાં લેવાતા હાલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એ નવું માઇક્રો કોમ્બ ડિવાઇસ લગાવાયું હતું.
સંશોધકોએ આ પ્રયોગ માટે આરએમઆઇટીના મેલબોર્ન શહેર સ્થિત કેમ્પસ અને મોનાશ યુનિવર્સિટીના ક્લેટોન કેમ્પસ વચ્ચે ૪૮ માઇલનો ડાર્ક ઓપ્ટિકલ ફાઇબર નાંખ્યો હતો. આ ફાઇબર વચ્ચે સંશોધકોએ બ્રોડ ઇન્ટરનેશનલ કોલાબ્રેશનના ભાગરૂપે સ્વિનબર્ન યુનિવર્સિટી દ્વારા અપાયેલું માઇક્રો કોમ્બ લગાવ્યું હતું. આ માઇક્રો કોમ્બે સિંગલ ચિપમાંથી સેંકડો હાઇ ક્વોલિટી ઇન્ફ્રારેડ લેસર્સનું મેઘધનુષ્ય રચ્યું હતું. અને આ દરેક લેસર એક અલગ કમ્યુનિકેશન ચેનલ તરીકે ઉપયોગમાં લેવાય એવી ક્ષમતા ધરાવતું હતું. આરએમઆઇટીના અરનાન મત્ચેલ કહે છે કે, ડેટા સ્પીડ ૪૪.૨ ટેરાબાઇટ્સ મળે એ જ વર્તમાન ઓસ્ટ્રેલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ક્ષમતા દર્શાવે છે.
ભવિષ્યની જરૂરત માટે ક્ષમતા વધારી શકાશે
ડો. કોરકોરાને વધુમાં જણાવ્યું કે, આ આધુનિક ટેક્નોલોજી એવી છે કે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર નહીં પડે, તે હાલમાં કાર્યરત ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફિટ થઈ શકે એવી છે. અમે એવી ટેક્નોલોજી વિકસાવી છે, જે ભવિષ્યની જરૂરિયાત પ્રમાણે ક્ષમતા વધારી શકાય એવી છે.
આ પ્રયોગથી મળેલા ડેટાનો ઉપયોગ ભવિષ્યની પરિવહન સેવા ગણાતી સેલ્ફ ડ્રાઇવિંગ કાર માટે પણ કરી શકાશે. એટલું જ નહીં, તે મેડિસીન, શિક્ષણ, આર્થિક બાબતો સાથે સાથે ઇ-કોમર્સ ઇન્ડસ્ટ્રીઝને પણ બહુ ઉપયોગી થશે.
અબજો યૂઝરોને સપોર્ટની ક્ષમતાનો દાવો
આધુનિક બ્રોડબેન્ડ સિસ્ટમમાં ઉપયોગમાં લેવાતી સિંગલ ઓપ્ટિકલ ચિપ દ્વારા પેદા થતાં દરેક ડેટા સામે આ નવીન પદ્ધતિમાં વધુ પ્રમાણમાં ડેટા મળ્યા છે. આ નવીનતમ ટેક્નોલોજીની ક્ષમતા ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરના ૧૮ લાખ ઘરોને હાઇસ્પીડ ઇન્ટરનેટ જોડાણને સપોર્ટ કરવાની છે. એટલું જ નહીં, પીક પિરિયડ દરમિયાન પણ વિશ્વભરના અબજો લોકોને સપોર્ટ કરવાની ક્ષમતા આ ટેક્નોલોજીમાં હોવાનો દાવો સંશોધકોએ કર્યો છે.
સંશોધકોની મહત્ત્વાકાંક્ષા
સંશોધકો કહે છે કે અમારી તો એવી મહત્ત્વાકાંક્ષા છે કે દર સેકન્ડે સેંકડો ગીગાબાઇટ્સનું વહન કરતા હાલના ટ્રાન્સમીટરનું કદ, વજન કે ખર્ચ વધાર્યા વિના જ તેની ક્ષમતા વધારીને દર સેકન્ડે ટેરાબાઇટસ પર પહોંચાડવાની છે. લાંબા ગાળે અમે ઇન્ટિગ્રેટેડ ફેટોનિક ચિપ્સ રચવા માગીએ છીએ, જે ઓછામાં ઓછા ખર્ચે હાલના ઓપ્ટિકલ ફાઇબરમાં જે ડેટા ટ્રાન્સફર રેટ છે તેને વધારી શકવામાં મદદ કરશે.