લંડનઃ જો આબોહવાની કટોકટીથી ગરમીમાં માત્ર ૨ ડીગ્રી સેલ્સિયસનો વધારો થશે તો પણ એક બિલિયન લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી જશે તેવી ચેતવણી યુકે મેટ ઓફિસના નિષ્ણાતોએ આપી છે. Cop26 શિખર પરિષદમાં વિશ્વનું તાપમાન મહત્તમ ૧.૫ ડીગ્રી સુધી વધારવાની સંમતિ સધાઈ છે. જોકે, આ લક્ષ્ય સાધવું ભારે મુશ્કેલ ગણાય છે.
યુકે મેટ ઓફિસ દ્વારા ગરમી અને ભેજનું મિશ્રણ કરતા વેટબલ્બ ઉષ્ણતામાનનું મૂલ્યાંકન કરાયું હતું. આ તાપમાન ૩૫ Cએ પહોંચે ત્યારે માનવશરીર પરસેવા થકી પોતાને ઠંડુ પાડી શકતું નથી અને છાંયડામાં બેઠેલા તંદુરસ્ત માનવીઓ પણ છ કલાકમાં જ જીવ ગુમાવી શકે છે. વર્કર્સ ગરમીથી થાકી ન જાય તે માટે તાપમાન મર્યાદા ૩૨ Cની જાળવવી જરૂરી છે અને તેમણે વર્ષમાં ઓછાંમાં ઓછાં ૧૦ દિવસ આરામ કરવો જરૂરી બને છે તેમ મેટ ઓફિસના એનાલિસ્ટોએ જણાવ્યું છે. જો ક્લાઈમેટ કટોકટીનો અંત લાવવાના પ્રયાસો સફળ ન નીવડે અને તાપમાનમાં ૪ ડીગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થાય તો વધુપડતી ગરમીના તણાવની અસર વિશ્વની અડધી વસ્તીને થશે. બ્રાઝિલ, ઈથિયોપિયા અને ભારત સહિતના ટ્રોપિકલ દેશોને વધુપડતી ગરમીના તણાવની અસર સૌથી વધુ થાય છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અનુસાર ૨૦૧૭ સુધીના બે દાયકામાં સમગ્ર વિશ્વમાં હીટવેવ્ઝથી ઓછામાં ઓછાં ૧૬૬,૦૦૦ લોકોના મોત નીપજ્યાં હતાં. યુકેના સત્તાવાર ક્લાઈમેટ નિષ્ણાતોએ પણ હોસ્પિટલો અને શાળાઓ સહિત અસલામત વિસ્તારોમાં વધેલી ગરમીનો સામનો કરવા સરકારની તૈયારી અપૂરતી હોવાનું પણ જણાવ્યું છે.