લંડનઃ આપણું તો વાંચીને, જોઈને કે સાંભળીને જ પેટ ભરાઈ જાય તેવી ખાવાની વિચિત્ર આદત ફ્રેન્ચ ટિકટોક સ્ટાર માનોન એલાઈસ ઓનબૂની છે. કોઈને પણ આઘાત લાગે તેવો દાવો કરતાં 24 વર્ષીય માનોન કહે છે કે દરરોજ નાસ્તામાં જ તે એક કિલો બટર અને એક લિટર ઓઈલનો ઉપયોગ કરે છે અને આટલું ખાવાથી તેને માનસિક ખુશી મળે છે. જોકે, તેને નિહાળીને તો લાગે જ નહિ કે આ યુવતી આટલી ખાઉધરી કે અકરાંતિયણ હશે.
માનોન વર્ષો સુધી આહાર નિયંત્રણ, વધુપડતા આહાર અને રેચન એટલે કે ખોરાક બહાર કાઢી નાખવાની ખોરાકની વિકૃતિઓથી પીડાતી રહી છે. હવે તો માનોન ભરપૂર પ્રમાણમાં બટર, ઓઈલ, ફ્રાઈઝ અને ચોકલેટ ખાય છે જેના કારણે તેને પેઈન એટેક્સ સામે લડવા અને સમગ્રયતા આરોગ્ય રીકવરીમાં મદદ મળે છે. તે સોશિયલ મીડિયા પર ઈટિંગ ડિસઓર્ડર્સ વિશે જાગૃતિ ઉભી કરવા ખોરાકના ચિત્રવિચિત્ર સંયોજનો ખાવાના વીડિયોઝ પોસ્ટ કરતી રહે છે. એક વીડિયોમાં બટરના જંગી લપેડા સાથે ચોકલેટ ખાતી નજરે પડે છે અને દાવો કરે છે કે આ કોમ્બિનેશનથી તેના ખાઉધરાપણાં પર થોડો કાબુ આવે છે કારણકે માખણથી તેને ચિતરી ચડે છે.
ખાઉધરાપણાંની વિકૃતિ ગંભીર માનસિક બીમારી છે જેમાં લોકો કેટલું ખાય છે તેના પર કાબુ રાખી શકતા નથી. માનોનના કિસ્સામાં ખોરાક પર નિયંત્રણના લાંબા ગાળાના કારણે તેનામાં ખાઉધરાપણું આવ્યું છે. રસપ્રદ બાબત તો એ છે કે આટલું બધું ખાધા પછી તે જુલાબ, ઉલટી અથવા અન્ય રીતે ખોરાકને શરીરની બહાર કાઢી નાખે છે. ખોરાકની વિચિત્ર પસંદગીના કારણે તેને મહિને 400 પાઉન્ડનો ખર્ચ થાય છે પરંતુ, ખાવાની વિકૃતિ પર કાબુ મેળવવા આના સિવાય કોઈ માર્ગ તેને જણાતો નથી.