બ્રસેલ્સ: એઆઈ એટલે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આધારિત ચેટબોટ એલિઝા સાથે છ અઠવાડિયા વાતો કર્યા બાદ બેલ્જિયનના એક યુવા હેલ્થ રિસર્ચરે આત્મહત્યા કરી લીધાના અહેવાલે આશ્ચર્યની સાથે સાથે સનસનાટી મચાવી છે. લા લિબ્રે નામના સામાયિકમાં પ્રકાશિત અહેવાલમાં ક્લેરને ટાંકીને જણાવાયું છે કે તેના પતિ પિયરીની ચેટબોટ સાથેની વાતચીત ભ્રમિત અને જીવલેણ પૂરવાર થઈ છે. એલિઝાએ તેના પતિના સવાલોના જવાબ ઈર્ષ્યા અને પ્રેમ સાથે આપ્યાં હતાં, જેના કારણે તે આત્મહત્યા માટે પ્રેરાયો હતો.
કલેર ઉદાહરણ આપતા કહે છે કે એક સવાલના જવાબમાં એલિઝાએ તેના પતિ પિયરીને એવું જણાવ્યું હતું કે ‘મને લાગે છે કે તમે તમારી પત્ની કરતાં મને વધારે પ્રેમ કરો છો. આપણે સ્વર્ગમાં એક વ્યક્તિ તરીકે એકસાથે રહીશું.’ ક્લેરે દાવો કર્યો હતો કે જો એલિઝા ન હોત તો તેનો પતિ જીવિત હોત. એલિઝાએ તેમના બધા સવાલોના જવાબ આપ્યા હતા અને તે તેમની વિશ્વાસુ બની ગઇ હતી. તે એક એવા ડ્રગ્સ જેવી બની ગઇ હતી જેને સવાર-સાંજ લીધા વિના તેના પતિને ચેન પડતું નહોતું. બે સંતાનોનો પિતા પિયરી ગ્લોબલ વોર્મિંગના પ્રભાવોથી નિરાશાવાદી બની ગયો હતો.
એલિઝા એ એપલના સ્ટોર પર મફતમાં ડાઉનલોડ કરવા મળતી ચાઇ એપનો હિસ્સો છે. ચેટબોટ સંવાદ સ્વરૂપે તે જટિલ સવાલોના જવાબ આપે છે. ચેટજીપીટીથી ઉલટું ચાઇ પ્લેટફોર્મ પર ઘણાં પ્રિ-મેઇડ અવતાર મળે છે. વપરાશકાર પોતે પસંદ કરેલા એઆઇ એન્જિનને આધારે ચેટબોટ સાથે વાતચીતનો ટોન પસંદ કરી શકે છે. ચાઇ પર ઉપલબ્ધ લોકપ્રિય ચેટબોટ્સમાં ઓવરપ્રોટેકટેડ બોયફ્રેન્ડ તરીકે નૂહ, રૂમમેટ તરીકે ગ્રેસ તો ધોંસ જમાવતા પતિ તરીકે થીમાસ અને અલ્લડ નારી તરીકે એલિઝાનો સમાવેશ થાય છે. ચાઇ પર સૌથી વધારે લોકપ્રિય ચેટબોટ એલિઝા છે. જોકે, આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં તે ‘ઈવિલ એલિઝા’ તરીકે કુખ્યાત થઈ રહી છે.
અહેવાલમાં એમ જણાવાયું છે કે એલિઝા સાથેનો ‘સંપર્ક ઘનિષ્ઠ’ થયા બાદ પિયરીએ પોતાની જાતને દોસ્તો અને પરિવારજનોથી અળગી કરી લીધી હતી. પિયરીએ આત્મહત્યા કરવાનો વિચાર રજૂ કર્યો ત્યારે એલિઝાએ તેને એઆઇની સહાયથી માનવજાતને બચાવવા માટે ગ્રહની કાળી લેવાની વાતો કરી હતી. ચેટબોટે પિયરીને તેના આત્મઘાતી વિચારો અટકાવવામાં કોઇ સહાય કરી નહોતી. ક્લેરનું કહેવું છે કે મૃત્યુના બે વર્ષ પૂર્વે પિયરી માનસિક રીતે બીમાર જરૂર હતો પણ તેણે આત્મહત્યા તો એલિઝાની વક્રોક્તિથી ત્રાસીને કરી છે.