• શિક્ષણશાસ્ત્રી કિરીટ જોશીનુ નિધનઃ જાણીતા શિક્ષણશાસ્ત્રી કિરીટ જોશી (૮૩)નું ગત સપ્તાહે કેન્સરને કારણે નિધન થયું છે. તેમણે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના શિક્ષણ સલાહકાર તરીકે પણ ઘણો લાંબો સમય સેવા આપી હતી. તેઓ પુંડુચેરીમાં રહેતા હતા.
• મહારાષ્ટ્ર-હરિયાણામાં ૧૫ ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણીઃ ચૂંટણી પંચે મહારાષ્ટ્રની ૨૮૮ અને હરિયાણાની ૯૦ વિધાનસભા બેઠકો માટે ચૂંટણીનો કાર્યક્રમ ગત સપ્તાહે જાહેર કર્યો હતો. આ બંને રાજ્યોમાં ૧૫ ઓક્ટોબરે એક તબક્કે મતદાન યોજાશે. જ્યારે ૧૯ ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.
• જર્મનીમાં રાધા કૃષ્ણ હિન્દુ મંદિરનું લોકાર્પણઃ જર્મનીના નોર્થ ર્હાઈન-વેસ્ટફાલિઆ સ્ટેટના બિલફેલ્ડ નગરમાં શ્રી શ્રી રાધા કૃષ્ણ મંદિર કુંભાભિષેકમની વિધિઓ પછી તાજેતરમાં ખુલ્લું મૂકાયું છે. આ મંદિરના નિર્માણનો આરંભ જાન્યુઆરી-૨૦૧૩માં થયો હતો. મંદિરમાં દૈનિક પૂજાવિધિ કરવામાં આવે છે અને તાજેતરમાં ગણેશ ચતુર્થીની ઊજવણી પણ થઈ હતી. થિયાગરાજા સર્મા પરમેશ્વરમ ઐય્યર આ મંદિરના પૂજારી છે. મંદિરમાં કથા-ઉપદેશ અને સંગીત-નૃત્ય કાર્યક્રમોના આયોજન માટે સાંસ્કૃતિક કેન્દ્રના નિર્માણની પણ યોજના છે.
• અમેરિકાની નાગરિકતા રદ્દ કરાવવી મોંઘી પડશેઃ અમેરિકાની નાગરિકતા રદ્ કરવી હવે મોંઘી સાબિત થશે, કેમ કે અમેરિકાએ નાગરિકતા રદ કરવાની ફીમાં પાંચ ગણો વધારો કર્યો છે. હવે આ નાગરિકતા રદ કરનારાએ ૨,૩૫૦ ડોલર ચૂકવવા પડશે. આ ચાર્જ પહેલાં માત્ર ૪૫૦ ડોલર હતો.
• અમેરિકામાં ૨૦ ઇંચ હિમવર્ષાઃ અમેરિકામાં ગરમીની ઋતુમાં આવેલા બરફના તોફાન (સમર સ્નોસ્ટોર્મ)ના કારણે વ્યોમિંગ પહાડી વિસ્તારમાં ૨૦ ઇંચ હિમવર્ષા થઈ હતી જેના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. દક્ષિણ ડેકોટાના કસ્ટમરમાં ૮ ઇંચ અને વ્યોમિંગ પ્રાંતમાં આવેલા ટુરિસ્ટ શહેર કોડીમાં ૩થી ૫ ઇંચ બરફ પડ્યો છે. અહીં ૧૯૧૫ બાદ પ્રથમ વખત સૌથી આવી હિમવર્ષા થઈ છે.