સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગને ત્યાં તાજેતરમાં જ દીકરી આવી. માર્કે તેની પત્ની પ્રિસિલા ચેન તથા પુત્રી સાથેની તસવીર ફેસબુક પર શેર પણ કરી છે. માર્ક અને પ્રિસિલાએ પોતાની દીકરીનું નામ મેક્સ રાખ્યું છે. પુત્રીના જન્મની ખુશીમાં માર્કે જાહેરાત કરી છે કે, ફેસબુકમાં તેમના જે શેર છે તેના ૯૯ ટકા શેરની ચેરિટી કરશે. જેની રકમ આશરે ૪૫ અબજ ડોલર છે. પોતાની પુત્રી મેક્સના નામે ફેસબુક પર માર્ક ઝુકરબર્ગે એક પત્ર લખ્યો જેમાં તેણે આ જાહેરાત કરી હતી. માર્કે સમાજને પણ આગામી પેઢીના ઊજળા ભવિષ્ય માટે દાન કરવાની સલાહ કરી છે.
બને તેટલું દાન કરો
ઝુકરબર્ગે જે ૯૯ ટકા શેર દાન કર્યા છે તેની કિંમત ૪૫ અબજ ડોલર છે આ રકમ ચેરિટી માટે વાપરવામાં આવશે. ચાન-ઝુકરબર્ગ ઇનિશિએટિવ નામે થનારી આ ચેરિટીની જાહેરાત માર્કે પોતાના ફેસબુક પેજ પર કરી અને તેની પોસ્ટને ૩.૬૦ લાખથી વધુ લાઇક્સ મળી છે. માર્કે આ અંગે કહ્યું છે કે, હું ફેસબુકના માધ્યમથી દુનિયાના પૈસાપાત્ર લોકો સુધી એ પ્રસ્તાવ મૂકવા માગુ છું કે તેઓ પણ ઇચ્છા અનુસાર સમાજ સુધારા માટે વધુમાં વધુ દાન કરે.
દુનિયાનો સૌથી નાની ઉંમરનો દાનવીર
૩૧ વર્ષીય માર્ક આ ચેરિટી સાથે વિશ્વમાં સૌથી નાની ઉંમરમાં સૌથી વધુ રકમની ચેરિટી કરનાર દાતા બન્યો છે. આ પહેલાં વર્ષ ૨૦૦૬માં બર્કશાયર હેથવેના ૭૬ વર્ષના વોરન બફેટે પોતાના ૩૧ અબજ ડોલરના શેર બિલ ગેટ્સ ફાઉન્ડેશનને ચેરિટી માટે આપ્યા હતા. વર્ષ ૨૦૦૦માં ૪૫ વર્ષીય માઇક્રોસોફ્ટના કો ફાઉન્ડર બિલ ગેટ્સે બિલ એન્ડ મિલિંડા ગેટ્સ ફાઉન્ડેશનની જાહેરાત કરી હતી.
૧૦૬ દેશોની જીડીપીથી પણ વધુ રકમનું દાન
ફેસબુકની કુલ સંપત્તિ ૩૦૩ અબજ ડોલર એટલે કે લગભગ રૂ. ૧૯ લાખ કરોડ છે. હવે ઝુકરબર્ગની પાસે ૫૪ ટકા શેર છે. આના ૫૪ ટકામાંથી ૯૯ ટકા શેર તે ડોનેટ કરશે. એટલે કે લગભગ ૪૫ અબજ ડોલર દાન કરશે. આ રકમને રૂપિયામાં ગણીએ તો રૂ. ૨.૮૫ લાખ કરોડ થાય. એટલે કે માર્ક ઝુકરબર્ગ જે રકમ દાન કરશે તે રકમ દુનિયાના ૧૦૬ દેશો જીડીપીથી પણ વધુ હશે. આ દાનનો ઉપયોગ જરૂરિયાતમંદ લોક માટે થશે, જેમ કે શિક્ષણ, સ્વાસ્થ્ય વગેરે વગેરે.
ઝુકરબર્ગે લખ્યો પુત્રીના નામે પત્ર
ડિયર મેક્સ,
તારી માતા અને મારી પાસે એ દર્શાવવા માટે શબ્દો નથી કે તારા આ દુનિયામાં આવ્યા પછી અમારા ભવિષ્ય માટે કેટલી બધી આશાઓ જાગી છે. તને મળેલી જિંદગીમાં હંમેશાં તું ખુશ રહે એવી અમારી અંતરથી ઇચ્છા છે. તું દુનિયાને તારી સમજથી જાણે અને દુનિયાને એક્સપ્લોર કરી શકે એવી તને શુભકામના છે. તે અમને આ દુનિયાને નવી આશાઓ સાથે જોવાનું કારણ આપ્યું છે. દુનિયાના દરેક માતા-પિતાની જેમ અમે પણ ઇચ્છીએ છીએ કે તું આ દુનિયામાં સરસ જિંદગી જીવે. વર્તમાન પરિસ્થિતિમાં દુનિયા સુધારાના માર્ગે છે. લોકોના સ્વાસ્થ્ય સુધરી રહ્યાં છે. ગરીબી ઘટી રહી છે. જ્ઞાન વધી રહ્યું છે. લોકો એકબીજાની સાથે જોડાઈ રહ્યાં છે. તારી જિંદગી અમારી વર્તમાન જિંદગી કરતાં અનેકગણી સારી હશે. અમે તને પ્રેમ કરીએ છીએ એટલે અમારાથી દુનિયામાં જે સારા બદલાવ લાવી શકીશે તેની કોશિશ કરીશું. જોકે એ માત્ર તારા માટે જ નહીં હોય, પરંતુ આ પ્રયાસ એટલા માટે પણ હશે કે નૈતિક રીતે આગામી પેઢીના દરેક બાળકની જવાબદારી અમારા પર છે. આપણા સમાજની દરેક વ્યક્તિની પણ એ જવાબદારી બને છે કે આગામી પેઢીના સુખ અને ખુશી માટે દાનનો માર્ગ અપનાવે કરીએ.
સપ્રેમ, માતા-પિતા.