મુંબઇઃ છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક અનિશ્વિતતાના માહોલ વચ્ચે એશિયાના ઇમર્જિંગ માર્કેટમાં સતત મંદીની ચાલ જોવા મળી રહી છે, પરંતુ હવે તેમાં મંદીનો દોર પૂર્ણતાને આરે છે. હવે માર્કેટમાં ફરીથી તેજી જોવા મળે તેવી શક્યતા છે. અમેરિકાની ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ફર્મ મોર્ગન સ્ટેનલીએ તાજેતરમાં આ અનુમાન વ્યક્ત કર્યું છે. ઇન્વેસ્ટમેટ બેન્કના મેનેજિંગ ડિરેક્ટર જોનાથન ગાર્નરનું કહેવું છે કે માર્કેટમાં ઘટાડાનું નીચલું સ્તર પૂર્ણ થયું છે. હવે ઊભરતા બજારો તેમજ જાપાનને છોડીને એશિયાના અન્ય શેરમાર્કેટમાં પરફોર્મન્સ સુધરશે.
ઉલ્લેખનીય છે કે મોર્ગન સ્ટેનલીએ શેરમાર્કેટનું રેટિંગ પણ અપગ્રેડ કરીને ઇક્વલ વેઇટથી ઓવરવેઇટ કર્યું છે. MSCI EM બેંચમાર્ક તાજેતરમાં વર્ષની સૌથી નીચી સપાટી 26 ટકા સુધી જઇ ચૂક્યો છે, જેમાં આગામી કેટલાક મહિનામાં 12 ટકા તેજી આવી શકે છે. મોર્ગન સ્ટેનલી દ્વારા માર્કેટમાં ઘટાડાના આકલન માટે ઉપયોગમાં લેવાતા 10 માપદંડના ફ્રેમવર્કથી જાણવા મળે છે કે ઊભરતા બજારો તેમજ એશિયન માર્કેટ આ નીચલા સ્તરેથી ફરીથી ઉપરની તરફ જાય તેવી મજબૂત સંભાવના છે અને આ જ ખરીદી માટેનો આકર્ષક અવસર છે.