માલે: ભારતના પડોશી દેશ માલદીવની રાજધાન માલેમાં ભીષણ કરુણાંતિકા સર્જાઈ હતી. અહીં વિદેશી કામદારોના રહેણાંક ઇમારતમાં ભીષણ આગ લાગી હતી જેમાં નવ ભારતીય સહિત ઓછામાં ઓછા 10 લોકોના કરુણ મોત થયા હતા. જ્યારે કેટલાક અન્ય લોકો ઘવાયા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આગમાં ઇમારતનો ઉપલો માળ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો અને અહીંથી 10 મૃતદેહો બહાર કઢાયા હતા. ઇમારતના ગ્રાઉન્ડ ફલોરમાં આવેલા ગેરેજમાં પહેલા આગ લાગી હતી જે ઉપર સુધી પ્રસરી હતી. અધિકારીઓના અનુસાર આગને કાબૂમાં લેવામાં લગભગ ચાર કલાકનો સમય લાગ્યો હતો. ઘટના અંગે માલે સ્થિત ભારતીય હાઇકમિશને જણાવ્યું હતું કે અમે માલેમાં સર્જાયેલી દુઃખદ ઘટનાથી દુઃખી છીએ જેમાં ઘણા લોકોના જીવ ગયા છે. અને માલદીવના સત્તાધીશોના નજીકના સંપર્કમાં છીએ. માલદીવના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જણાવાયું હતું કે આ આગને કારણે પ્રભાવિત થયેલા લોકોને રાહત પૂરી પાડવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે માલદીવની રાજધાની માલે વિશ્વના સૌથી ગીચ શહેરો પૈકી એક છે. માલેની અઢી લાખની વસતીમાં અડદા કરતા ં વધારે વસતી વિદેશી કામદારોની છે જેમાં ભારત, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાના કામદારો મોટી સંખ્યામાં રહેલા છે.
માલદીવમાં 29 હજાર જેટલા ભારતીયો
માલદીવમાં લગભગ 29 હજાર જેટલા ભારતીયો રહે છે. જે પૈકી 22 હજાર જેટલા લોકો તો એકલા માલે શહેરમાં જ રહે છે. ભારતીય કામદારો અહીં નર્સ, શિક્ષક, મેનેજર તબીબ, ઇજનેર, એકાઉન્ટન્ટ અને અન્ય વ્યવસાયોમાં કાર્યરત છે. માલેના જીવનની નબળી ગુણવત્તા કોવિડ19 વખતે સામે આવી હતી. જ્યારે અહીંના વિદેશી કામદારોમાં સ્થાનિકોની તુલનામાં ત્રણ ગણી વધારે ઝડપે કોરોના પ્રસર્યો હતો.