માલદીવને આડોડાઇ નડી, ભારતીય પ્રવાસી 45 ટકા ઘટ્યાઃ લક્ષદ્વીપમાં પ્રવાસીઓની સંખ્યા વધીને બમણી

Saturday 07th September 2024 05:41 EDT
 
 

નવી દિલ્હીઃ છેલ્લા એક વર્ષથી લક્ષદ્વીપમાં પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ વર્ષે એપ્રિલથી જૂન સુધીમાં લક્ષદ્વીપમાં પ્રવાસીઓની સંખ્યા બમણાથી વધીને 22,990 થઈ ગઈ છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં સંખ્યા 11,074 હતી. આ સિવાય વિમાનની અવરજવરમાં પણ 88 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે ફ્લાઈટ્સની સંખ્યા 418 હતી જે હવે વધીને 786 પર પહોંચી છે.
બીજી તરફ માલદીવ સાથેના સંબંધોમાં કડવાશ અને માલદીવ સરકારના મંત્રીઓનાં બેફામ નિવેદનોને કારણે ત્યાં જતાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. માલદીવની મુલાકાતે જનારા ભારતીયોની સંખ્યામાં એક વર્ષમાં 45 ટકાનો ઘટાડો નોંધાયો છે. જે ગત વર્ષે એપ્રિલ-જુલાઈમાં 66,375 ભારતીય પ્રવાસીઓએ માલદીવની મુલાકાત લીધી હતી તે આ વર્ષે સંખ્યા ઘટીને 36,761 પર આવી ગઈ છે. માલદીવમાં ભારતીય પ્રવાસીઓનો હિસ્સો પણ આ વર્ષના સમાન સમયગાળામાં 12 ટકાથી ઘટીને 6.3 ટકા થઈ ગયો છે. આ વલણ માલદીવ માટે ફટકા સમાન છે.
બીજી તરફ, આ વર્ષે જુલાઈમાં લક્ષદ્વીપની ફ્લાઈટ્સની સંખ્યા જુલાઈ 2023ની સરખામણીમાં 3.5 ગણી વધીને 106 થઈ છે. પરિણામે, બેઠકોની કુલ સંખ્યા ગત વર્ષે જુલાઈમાં 2,170 હતી તે આ વર્ષે જુલાઈમાં વધીને 7,844 થઈ ગઈ છે. ટ્રાવેલ એજન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ અનિલ કલસીના જણાવ્યા અનુસાર અમારું અનુમાન છે કે હાલના એરપોર્ટના વિસ્તરણ અને નવું એરપોર્ટ શરૂ થયા બાદ પ્રવાસીઓની સંખ્યામાં ઓછામાં ઓછો ત્રણ ગણો વધારો થઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter