વોંશિગ્ટનઃ આફ્રિકન દેશ માલીની રાજધાની બકોમાનની ફાઇવસ્ટાર હોટેલ પર ૨૦મી નવેમ્બરે થયેલા આતંકી હુમલામાં ભારતીય મૂળની અમેરિકન નાગરિક ૪૧ વર્ષીય અનિતા અશોક દાતારનું મોત થયું હતું. અમેરિકાના વિદેશ પ્રધાન જ્હોન કેરીએ ઘટના પછી ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, અનિતા દાતાર અને અન્ય લોકોના મોત પર શોક વ્યક્ત કરે છે. અમે તેમના પરિવારો અને મિત્રોને સાંત્વના પાઠવીએ છીએ અને માલીની જનતાની પડખે ઊભાં છીએ. અનિતાના પરિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે આ સમાચારથી ઘણા દુઃખી છીએ. અમે માની શકતા નથી કે અનિતાનું મોત હિંસા અને આતંકવાદી હુમલામાં થયું છે. પરિવાર કહે છે કે, અનિતા ઘણી ઉદાર હતી. તે હંમેશાં બીજાની મદદ કરતી રહેતી હતી. અનિતાનો જન્મ અમેરિકાના મેસેચ્યુસેટ્સમાં થયો હતો. ન્યૂ જર્સીમાં ઉછેર બાદ અનિતાએ કોલંબિયા યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક સ્તરના અભ્યાસ કર્યા હતાં. અનિતા પેલિડિયમ ગ્રૂપમાં સિનિયર મેનેજર તરીકે ફરજ બનાવી રહી હતી.