નવી દિલ્હીઃ ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ સોમવારે મની લોન્ડરિંગ કેસમાં વિજય માલ્યા સામે ચાર્જશીટ દાખલ કરી છે. તેમાં જણાવ્યું હતું કે, માલ્યાએ બે બનાવટી કંપનીઓ દ્વારા ૩,૭૦૦ કરોડની લોન એફ-૧, ઇન્ડિયન પ્રીમિયર લિગ ટીમ, પ્રાઈવેટ જેટ પાછળ વાપર્યાં હતા. ટૂંક સમયમાં કોર્ટ પાસેથી પરવાનગી લઈને ઈડી માલ્યાની સંપત્તિને સીલ કરવાનું શરૂ કરશે. આ માટે ઈડીએ કોર્ટને ઓછામાં ઓછા સમયમાં નિર્ણય જાહેર કરવા માટે અપીલ કરી છે. વિજય માલ્યાની રૂ. ૯,૦૦૦ કરોડની સંપત્તિ ઉપરાંત કંપની અને પ્રોજેક્ટ પર સીલ મારવામાં આવશે. ગત વર્ષે માલ્યા સામે પ્રથમ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. એ સમયે કેટલીક સંપત્તિ સીલ કરી હતી, જેની કિંમત રૂ. ૯,૮૯૦ કરોડ હતી.
આ ઉપરાંત કંપનીની કેટલીક સંપત્તિને તાત્કાલિક સીલ કરવા માટે કોર્ટ પાસેથી મંજૂરી માગવામાં આવશે. ઈડીના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે, નવી ચાર્જશીટ ભારતીય સ્ટેટ બેન્કે કરેલી ફરિયાદ પર આધારિત છે. આ ફરિયાદ અનુસાર માલ્યાની કંપનીએ વર્ષ ૨૦૦૫-૧૦ દરમિયાન બેન્ક પાસેથી રૂ. ૬,૦૨૭ કરોડની કોઈ ચુકવણી કરી નથી. અધિકારીએ ઉમેર્યું કે, ફંડ ટ્રાન્સફર કરવા માટે માલ્યાએ ખોટી કંપનીઓ ઊભી કરી હતી, જેનાં નામ પર ભારતીય ચલણનું મોટી સંખ્યામાં ફંડ ટ્રાન્સફર કર્યું હતું. નવી દાખલ કરેલી ચાર્જશીટમાં આ ખોટી કંપનીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જોકે આ મામલે કોર્ટે કોઈ સ્પષ્ટતા કરી નથી. અગાઉ બ્રિટનની અદાલતે માલ્યાને કહ્યું હતું કે, ૧૩ ભારતીય બેન્કની કાયદાકીય લડાઈમાં ઓછામાં ઓછા ૨ લાખ પાઉન્ડ લગભગ ૧.૮૧ કરોડ રૂપિયા ચૂકતે કરે.
માલ્યા સામે કાર્યવાહી
કોર્ટે વિજય માલ્યા સામે કાયદાકીય પ્રક્રિયા અનુસાર પગલાં લેવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સાથે વિજય માલ્યાને ભાગેડુ જાહેર કરવા કામ શરૂ કરી દીધું છે. ઈડીએ વિદેશમાં રહેલી માલ્યાની સંપત્તિ માટે કોર્ટ પાસે પરવાનગી માગી છે. ભારતથી ભાગેલા વિજય માલ્યા પર ૯,૦૦૦ કરોડનું બેન્કનું દેવું છે. લંડનમાં તેની સામે કેસ ચાલી રહ્યો છે જેની સુનાવણી જુલાઈમાં શરૂ થશે.