વોશિંગ્ટનઃ અમેરિકાના વર્જિનિયામાં વસતાં ગિની હિસલોપે હમણાં માસ્ટર્સ ડિગ્રી મેળવી તેમાં તો સમાચારોમાં છવાઇ ગયા છે. તમે ભલા કહેશો કે ગિનીબહેને માસ્ટર્સ ડિગ્રી મેળવી તેમાં તે કઇ મોટી ધાડ મારી છે? ગિનીની આ સિદ્ધિ નોંધપાત્ર છે તેમની વયના કારણે. તેમની ઉંમર છે 105 વર્ષ! ગિનીએ આમ તો 80 વર્ષ પહેલાં ભણવાનું છોડી દીધેલું પણ અચાનક ફરી ભણવાની ઈચ્છા થઇ. ઈચ્છા થઇ એટલું જ નહીં, એડમિશન પણ લઇ લીધું અને કોર્સ વર્ક પતાવીને માસ્ટર્સ પૂરું પણ કરી નાંખ્યું. સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ એજ્યુકેશનમાં તેમને માસ્ટર્સ ડિગ્રી એનાયત થઇ ત્યારે જબરદસ્ત સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું.
ગિની હિસલોપ 1940માં સ્ટેનફોર્ડમાં ભણતાં હતાં અને પોતાના બધા ક્લાસ ભરીને કોર્સ વર્ક પણ પૂરું કરી નાંખેલું, પણ પરીક્ષા લેવાય એ પહેલાં તો તેમના પ્રેમી જ્યોર્જ હિસલોપને બીજા વિશ્વ યુદ્ધમાં આર્મીમાં ફરજ બજાવવા માટે તેડું આવ્યું. ગિની પણ પ્રેમી જ્યોર્જ સાથે યુદ્ધના મોરચે ઉપડી ગયાં તેમાં ભણવાનું છૂટી ગયું. બાદમાં જ્યોર્જ સાથે પરણીને તેમણે પરિવાર વસાવ્યો અને સરકારી નોકરી પણ મળી ગઈ. આથી માસ્ટર્સ ડિગ્રી ભૂલાઈ જ ગયેલી, પણ એક દિવસ અચાનક અધૂરા અભ્યાસનું સપનું સળવળ્યું. યાદ આવતાં ગિનીએ ફરી એડમિશન લીધું અને અભ્યાસ પૂરો કરીને માસ્ટર્સ ડિગ્રી હોલ્ડર બની ગયા છે.