લંડનઃ કાળા માથાના માનવી માટે કશું અશક્ય નથી તેમ કહેવાય છે પરંતુ, આ માનવીના તરંગો પણ વિચિત્ર પ્રકારના હોય છે. અત્યારે ટેટુનો વાવર છે ત્યારે જર્મનીના એક ૩૯ વર્ષીય ટેટુપ્રેમી સાન્ડ્રોએ પોતાનો દેખાવ એક ખોપરી જેવો લાગે તેવી ધૂનમાં ૬,૦૦૦ પાઉન્ડથી વધુનો ખર્ચ કરી પોતાના બંને કાન કપાવી નાખ્યા છે અને યાદગીરી જાળવવા એક બરણીમાં મૂકી રાખ્યા છે.
સોશિયલ મીડિયા પર ‘Mr Skull Face’ તરીકે ઓળખાતા સાન્ડ્રોએ ગત ૧૩ વર્ષમાં શરીરમાં સુધારાવધારા કરવા ૧૭ ઓપરેશન્સ કરાવ્યા છે. હવે તેની ધૂન આંખના ડોળા પર ટેટૂ ચીતરાવવાની અને નાકનું ટોચકું દૂર કરાવવાની છે.
જર્મનીના ફિન્સ્ટરવાલ્ડના રહેવાસી સાન્ડ્રોએ સૌ પહેલા ૨૦૦૭માં ટેલિવિઝન શોમાં કોઈને માથા પર સ્પાઈક્સ (નાના ખીલા) ફીટ કરાવેલા જોયા પછી તેને શારીરિક સુધારાવધારામાં રસ પેદા થયો હતો. ગત ૧૩ વર્ષમાં તેણે જીભમાં બે ભાગ કરવા, કાંડામાં કોન્ટેક્ટલેસ પેમેન્ટ ચીપ ફીટ કરાવવા સહિતના ૧૭ સુધારા કરાવ્યા છે. તેણે કપાળ, હાથના કોણી સુધીના હિસ્સા અને હાથમાં પણ ઈમ્પ્લાન્ટ્સ લગાવવાના ઓપરેશન કરાવ્યા છે અને છેલ્લા સુધારા તરીકે તેણે બે કાન કપાવી નાંખ્યા છે.
બેરોજગાર સાન્ડ્રોનું કહેવું છે કે આવા દેખાવથી તેને નોકરી મળવાનું કે રોમાન્ટિક રિલેશનશિપ બાંધવી મુશ્કેલ બન્યા છે, લોકો તેને તરંગી કે માનસિક બીમાર તરીકે ઓળખાવે છે પરંતુ, શરીરમાં આવા ફેરફારો કરાવ્યા પછી તેના આત્મવિશ્વાસમાં વધારો થયો છે.
સાન્ડ્રો કહે છે કે, ‘મારા મિત્રોએ શરીર સાથે આવી છેડછાડ નહીં કરવા અને ખાસ તો કાન ન કપાવવા મને ઘણો સમજાવ્યો હતો પરંતુ, હું મારા મનનું ધાર્યું કરનારો માણસ છું. જો લોકો મને તાકીને જોયા કરે તો મને કોઈ ફેર પડતો નથી. જો કોઈ મને કહે કે, ‘તું માનસિક બીમાર છું’ તો હું તેનો આભાર માની લઉં છું. મને વ્યક્તિ તરીકે અને મારા આંતરિક મૂલ્યોથી સ્વીકારાય તે વધુ ગમશે.’
સાન્ડ્રો દાવો કરે છે કે હું તો નકારાત્મક ટીપ્પણીઓ એક કાનેથી સાંભળી બીજા કાનથી બહાર કાઢી દઉં છું. જોકે, હવે બંને કાન તો બરણીમાં મૂકાવી દીધેલા છે ત્યારે તે શું કરશે? સાન્ડ્રો શરીરમાં સુધારાવધારા કરાવવા માગતા લોકોને કાળજીપૂર્વક નિર્ણય લેવાની ચેતવણી પણ આપે છે.
તે કહે છે કે ‘તમારે પહેલાં તો સંપૂર્ણ સંશોધન કરી લેવું જોઈએ, પૂરતો સમય લેવો જોઈએ. માત્ર કુલ, શરમહીન કે વિચિત્ર દેખાવા ખાતર જ આમ કરવું જોઇએ નહિ. આનો નિર્ણય દિલમાંથી અને તમારા માટે જ આવવો જોઈએ.’