અબુધાબીઃ સમગ્ર મિડલ ઈસ્ટમાં પ્રથમવાર ૧૨૦૦ શાકાહારી વાનગી સાથેના ભવ્ય ‘દિવાળી અન્નકૂટ-૨૦૧૮'નું આયોજન (યુનાઇટેડ આરબ એમિરેટ્સની રાજધાની) અબુધાબીમાં બીએપીએસ હિંદુ મંદિરના નિર્માણ સ્થળ નજીક ૯ નવેમ્બર, ભાઈબીજનાં દિવસે કરાયું હતું. સંત ઈશ્વરચરણદાસ સ્વામીજીના સાંનિધ્યમાં આ ઐતિહાસિક અન્નકૂટ દર્શનનો લાભ ૧૦,૦૦૦થી વધુ લોકોએ લીધો હતો.
‘દિવાળી અન્નકૂટ'માં વિવિધ પ્રદેશોના કલાવૃંદે ભજન અને ગીતોની પ્રસ્તુતિ કરી હતી. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ કાર્યક્રમને જીવંત બનાવવા ભારે જહેમત ઉઠાવવામાં હતી. આ પ્રસંગે ભારતીય રાજદૂત નવદીપસિંઘ સૂરીએ જણાવ્યું હતું કે ‘બીએપીએસનું કાર્ય અને તેમાં પણ મંદિર નિર્માણનું જે કાર્ય છે તે અસામાન્ય છે. આ કાર્ય સાર્વભૌમ વિશ્વાસના સર્જન દ્વારા ભારતને ગર્વ અપાવે છે.
‘બુર્જ ખલીફા’ફૂડ ડિઝાઈન
બીએપીએસના સાધુ બ્રહ્મવિહારીદાસજીએ જણાવ્યું કે, ૯ નવેમ્બર, ભાઈબીજનાં પવિત્ર દિવસે શ્રદ્ધાપૂર્વક તૈયાર કરવામાં આવેલા આ ‘દિવાળી અન્નકૂટ-૨૦૧૮'માં આ અન્નકૂટની સજાવટ ‘દુબઈ ફ્રેમ’ અને ‘બુર્જ ખલીફા’ સહિત સેંકડો કલાત્મક-રચનાત્મક ફૂડ ડિઝાઈન્સમાં રજૂ થઈ હતી. ભાઈબીજે સવારે ૧૧.૦૦થી રાત્રે ૮.૦૦ દરમિયાન આશરે ૧૮૦૦ મહાનુભાવો, ૫૦ જુદી-જુદી સંસ્થાઓ અને સમાજના સભ્યો સહિત કુલ ૧૦,૦૦૦ કરતાં પણ વધુ લોકોએ હરોળમાં ઊભા રહીને ખૂબ જ શાંતિ અને ધીરજપૂર્વક દિવ્ય દર્શનનો લાભ પ્રાપ્ત કર્યો હતો. સ્થાનિક આરબ નેતાઓ અને અધિકારીઓ પણ પોતાના પરિવારજનો સાથે પ્રેમ અને શુભેચ્છા વ્યક્ત કરવા માટે અહીં ઉપસ્થિત હતા.