કિવઃ યૂક્રેનની રાજધાની કિવ પર અત્યારે રશિયન સૈનિકો ઘેરો ઘાલી રહ્યા છે. રશિયાન સૈનિકો સામે બાથ ભીડવા માટે યૂક્રેનના સામાન્ય નાગરિકો પણ સામે આવી રહ્યાં છે. પૂર્વ મિસ યૂક્રેન અને બ્યુટી ક્વીન અનાસ્તાસિયા લેનાએ પણ રશિયા સામે હથિયારો ઉપાડયા છે.
બીજી તરફ યૂક્રેનના ઘણાં તબીબો, આર્કિટેક્ટ, સંગીતકારો અને જાદુગર સહિતના વ્યાવસાયિકો પણ હથિયાર લઇ રસ્તાઓ પર ઉતર્યા છે અને રશિયન સૈનિકોનો સામનો કરી રહ્યા છે. યૂક્રેનની બ્યુટી ક્વીન અને મોડેલ અનાસ્તાસિયા લેનાએ વર્ષ ૨૪ વર્ષની વયે ૨૦૧૫માં મિસ યૂક્રેનનો ખિતાબ જીત્યો હતો.
અનાસ્તાસિયા તેની સુંદરતા અને વૈભવી જીનવશૈલીના કારણે વિશ્વભરના સોશિયલ મીડિયા પર છવાયેલી હોય છે. જોકે યૂક્રેન દયનીય પરિસ્થિતિમાં મૂકાતા અનાસ્તાસિયાએ પણ રશિયા સામે હથિયારો ઉપાડયા છે અને તેના બંદૂકો સાથેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જોકે ડેઇલી સ્ટારના અહેવાલ પ્રમાણે તેણે પહેલાંથી જ હથિયાર ચલાવતાં આવડે છે.
યૂક્રેનની રાજધાની કિવ પર કબ્જો જમાવવા અત્યારે રશિયન સૈનિકો શહેરને ચારે તરફથી ઘેરી રહ્યા છે. જેથી સામાન્ય નાગરિકો પણ રસ્તા પર ઉતરી રશિયાનો સામનો કરવાની તૈયારી કરી રહ્યા છે. હથિયારો સાથે ઉતરેલા આ સામાન્ય નાગરિકોમાં તબીબો, આર્કિટેક્ટ, સંગીતકારો, અને જાદુગરો સહિતના વ્યવસાયિકોનો સમાવેશ થાય છે. ઉપરાંત કેટલાંક દિવ્યાંગો પણ હથિયારો સાથે રસ્તાઓ પર તૈનાત થયા છે.