ન્યૂ યોર્કઃ વિશ્વમાં સૌથી ધનાઢય છે ‘એમેઝોન’ના જેફ બેઝોસ, અને સૌથી ધનવાન ભારતીય છે રિલાયન્સ ગ્રૂપના સર્વેસર્વા મુકેશ અંબાણી. અમેરિકાથી પ્રસિદ્ધ થતાં વિખ્યાત મેગેઝિન ‘ફોર્બ્સ’ દ્વારા બુધવારે વર્ષ ૨૦૧૮નું વિશ્વના ધનપતિઓનું લિસ્ટ જાહેર કરાયું હતું. જેમાં ૧૧૨ બિલિયન ડોલરની કુલ સંપતિ સાથે જેફ બેઝોસે પ્રથમ સ્થાન મેળવ્યું છે. જ્યારે વિશ્વમાં સૌથી ધનિક ભારતીય તરીકે યાદીમાં પ્રથમ ક્રમે રહેલા મુકેશ અંબાણી ૪૦.૧ બિલિયન ડોલરની સંપત્તિ ધરાવે છે.
જેફ બેઝોસે ૧૯૯૪માં ઓનલાઈન વેચાણ કરવા માટે ‘એમેઝોન’ કંપનીની સ્થાપના કરી હતી. શરૂઆતમાં આ વેબસાઇટ પર માત્ર પુસ્તકોનું જ વેચાણ થતું હતું જ્યારે ‘એમેઝોન’ અનેકવિધ પ્રકારની ચીજવસ્તુઓ મળે છે. ગયા વર્ષની યાદીમાં બેઝોસની સંપત્તિ ૭૩ બિલિયન ડોલર હતી. મતલબ કે એક વર્ષમાં બેઝોસની સંપત્તિમાં ૩૯ બિલિયન ડોલરનો વધારો થયો છે. ૧૦૦ બિલિયન ડોલર કરતા વધુ સંપત્તિ ધરાવતા હોય એવા એકમાત્ર વ્યક્તિમાં બેઝોસનો સમાવેશ થાય છે. બીજા શબ્દોમાં કહી શકાય કે જેફ બેઝોસ અમેરિકાના ૨૩ લાખ લોકોની સરેરાશ આવક જેટલી કુલ સંપત્તિ ધરાવે છે.
મુકેશ અંબાણી નંબર વન
૪૦.૧ બિલિયન ડોલર એટલે કે રૂપિયા ૨,૬૦,૬૨૨ કરોડની સંપત્તિ સાથે મુકેશ અંબાણી ભારતમાં સૌથી વધુ ધનાઢ્ય નોંધાયા છે. મુકેશ અંબાણીનો વૈશ્વિક લિસ્ટમાં ૧૯મો ક્રમ છે. ૨૦૧૬થી મુકેશ અંબાણી દર વખતે સૌથી વધુ ધનવાન ભારતીય તરીકે લિસ્ટમાં પહેલા નંબરે આવે છે. કોમ્યુનિકેશન સેક્ટરમાં ઝંપલાવ્યા પછી અંબાણીની સંપત્તિમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. ૨૦૧૭ના લિસ્ટમાં ૨૩.૨ બિલિયન ડોલર સાથે તેઓ ૩૩મા ક્રમે હતા. એટલે કે ૧૨ મહિનામાં તેમની સંપત્તિ ૧૬.૯ બિલિયન ડોલર (૧૦૯૬.૫૧ બિલિયન રૂપિયા)નો વધારો થયો છે. તેમના ભાઈ અનિલ અંબાણી ૨.૭ બિલિયન ડોલરની સંપત્તિ સાથે લિસ્ટમાં ૮૮૭માં નંબરે સ્થાન ધરાવે છે.
ગેટ્સ પહેલી વખત બીજા ક્રમે
‘ફોર્બ્સ’ના લિસ્ટમાં માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ ૯૧.૨ બિલિયન ડોલરની સંપત્તિ સાથે બીજા ક્રમે ધકેલાયા છે. ગેટ્સ ૧૯૯૫થી શરૂ કરીને સતત ૨૦૧૭ સુધીના વાર્ષિક લિસ્ટમાં પહેલા ક્રમે રહ્યા હતા. હવે તેઓ નિવૃત્ત થઈ ચૂક્યા છે અને આવક મળે એવી કોઈ પ્રવૃત્તિ કરતા નથી. જે સંપત્તિ છે, તેનો ઉપયોગ લોકસેવામાં કરી રહ્યા છે. આથી તેમની સંપત્તિ ઘટી રહી છે.
કુલ ૨૨૦૮ બિલિયોનેર
વિશ્વમાં કુલ ૨૨૦૮ બિલિયોનેર ‘ફોર્બ્સ’ના લિસ્ટમાં નોંધાયા છે. આ બધાની મળીને કુલ સંપત્તિ ૯૧૦૦ બિલિયન ડોલર થાય છે. આ લિસ્ટમાં સૌથી વધુ ૫૮૫ બિલિયોનેર્સ અમેરિકાના છે. એ પછી ચીનના ૩૭૩ ઉદ્યોગપતિનો સમાવેશ થયો છે. ભારતમાં બિલિયોનેર્સની સંખ્યા ૧૨૧ થઈ છે. ગયા વર્ષના લિસ્ટમાં ૧૯નો ઉમેરો થયો છે. અમેરિકા પછી સૌથી વધુ નવા બિલિયોનેર ભારતમાંથી ઉમેરાયા છે. રશિયાના ૧૦૨ ઉદ્યોગપતિ આ લિસ્ટમાં છે. આ વખતના વૈશ્વિક લિસ્ટમાં ૨૫૯ નવા બિલિયોનેર ઉમેરાયા છે. તો વળી ગયા વર્ષે હતા તેમાંથી ૧૨૧ ઉદ્યોગપતિની બાદબાકી પણ થઈ ગઈ છે. આ વખતે પહેલી વાર ક્રિપ્ટોકરન્સી ધરાવતા ઉદ્યોગપતિનો પણ બિલિયોનેર્સ લિસ્ટમાં સમાવેશ થયો છે.
ડોનાલ્ડ ટ્રમ્પની પડતી
અમેરિકાના પ્રમુખ બન્યા પછી સતત બીજા વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પની સંપત્તિમાં ઘટાડો થયો છે. ગયા વર્ષે લિસ્ટમાં ટ્રમ્પ ૫૪૪મા ક્રમે હતા. આ વખતના લિસ્ટમાં ટ્રમ્પ છેક ૭૬૬મા નંબરે પહોંચી ગયા છે. એક વર્ષ દરમિયાન ટ્રમ્પની સંપત્તિ ૪૦ કરોડ ડોલર ઘટીને ૩.૧ બિલિયન ડોલર રહી ગઈ છે.
૨૫૬ મહિલામાં ૮ ભારતીય
લિસ્ટમાં કુલ ૨૫૬ મહિલા બિલિયોનેર્સને સ્થાન મળ્યું છે. આ પૈકી આઠ મહિલા ભારતની છે. ભારતીય મહિલાઓમાં સાવિત્રી જિન્દાલ, કિરણ મઝમૂદાર શો, સ્મિતા ગોદરેજ, લીના તિવારી, વિનોદ રાય, અનુ આગા, શીલા ગૌતમ, મધુ કપૂરનો સમાવેશ થયો છે. વોલમાર્ટના સ્થાપક સામ વોલ્ટનના પુત્રી અને અત્યારે કંપનીના સંચાલિકા એલિસ વોલ્ટન લિસ્ટમાં જગતના સૌથી સંપત્તિવાન મહિલા તરીકે નોંધાયા છે. વૈશ્વિક લિસ્ટમાં તેઓ ૧૬મા ક્રમે છે અને તેમની સંપત્તિ ૪૬ અબજ ડોલર છે.
નીરવ મોદીની બાદબાકી
આ વખતે લિસ્ટમાંથી ઘણા ઉદ્યોગપતિની બાદબાકી થઈ છે, જેમાં નીરવ મોદીનો પણ સમાવેશ થાય છે. બેન્કની લોન લઈ ભાગી જવાના કેસમાં કુખ્યાત થયા પછી નીરવની સંપત્તિમાં પણ ઘટાડો થયો છે. ગયા વર્ષે લિસ્ટમાં મોદી ૧.૭ બિલિયન ડોલરની સંપત્તિ સાથે ૧૨૩૪મા ક્રમે હતો. ભારતના ઉદ્યોગપતિમાં તેનો ક્રમ ૮૫મો હતો. આ વર્ષે તેની સંપત્તિ ઘટીને ૧૦ કરોડ ડોલર જ આંકવામાં આવી છે. મોદી ઉપરાંત શિશિર બજાજ અને આઝાદ મૂપેનની પણ લિસ્ટમાંથી બાદબાકી થઈ છે.
પેટીએમ સ્થાપક યંગેસ્ટ ઈન્ડિયન બિલિયોનેર્સ
મોબાઈલ ફોન દ્વારા પૈસાની હેરાફેરી અને ખરીદી કરવાની સગવડ આપતી એપ પેટીએમના સ્થાપક વિજય શેખર શર્મા આ લિસ્ટમાં સૌથી યુવા ભારતીય છે. તેમની વય ૩૯ વર્ષ છે, જ્યારે સંપત્તિ ૧.૭ બિલિયન ડોલર છે અને નંબર ૧૩૯૪મો છે. અલ્કેન લેબોરેટરીઝના સંપ્રદા સિંહ ૧.૨ બિલિયન ડોલરની સંપત્તિ ધરાવે છે. તેઓ સૌથી વયોવૃદ્ધ બિલિયોનેર છે, કેમ કે તેમની ઊંમર ૯૨ વર્ષ છે. વૈશ્વિક લિસ્ટમાં તેઓ ૧૮૬૭મા ક્રમે છે.