ટોક્યો: જાપાનના પ્રવાસે પહોંચેલા વડા પ્રધાન મોદીએ સોમવારે ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. મોદીનાં આગમન વખતે ભારતીયોએ મોદી... મોદી... જય શ્રીરામ...ના નારા લગાવીને તેમનું સ્વાગત કર્યું હતું. મોદીએ કહ્યું હતું કે મને જીવનમાં જે કંઇ શિક્ષણ મળ્યું છે તેના પરથી મેં એક આદત કેળવી છે. મુઝે મખ્ખન પર લકીર ખીંચને મેં મજા નહીં આતા, મૈં પથ્થર પર લકીર ખીંચનેમેં યકીન રખતા હું... તેમણે કહ્યું કે ભારતના વિકાસની સફરમાં જાપાનની ભૂમિકા મહત્ત્વની રહી છે. બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો વધુ ગાઢ બને તે જરૂરી છે.
કોરોના સામેની લડાઈમાં ભારતની કામગીરીની તેમણે પ્રશંસા કરી હતી.
મોદીએ કહ્યું કે, ભારત અને જાપાનના રાજદ્વારી સંબંધોને 70 વર્ષ થયા છે. બન્ને દેશો કુદરતી ભાગીદાર છે. ભારતના ગ્રોથ અને વિકાસમાં જાપાનની ભૂમિકા મહત્ત્વની છે. જાપાન સાથેનાં આપણા સંબંધો મજબૂત છે. વિશ્વ માટે આદર અને સામાન્ય ગૌરવ અપાવવા બંને દેશો કટિબદ્ધ છે. મોદીએ આ પ્રસંગે સ્વામી વિવેકાનંદને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે શિકાગો જતા પહેલાં તેઓ જાપાન આવ્યા હતા. જાપાને તેમનામાં અનોખો પ્રભાવ છોડ્યો હતો. મોદીએ દાવો કર્યો હતો કે હવે પછીનું ભારત લોકોનાં સપનાનું ભારત છે.
વિશ્વએ બુદ્ધના માર્ગે ચાલવાની જરૂર
મોદીએ કહ્યું કે જાપાન સાથે આપણો સંબંધ બુદ્ધનો, જ્ઞાનનો, ધ્યાનનો છે. હિંસા, અરાજકતા અને ત્રાસવાદ તેમજ ક્લાઈમેટ ચેન્જના પડકારોથી માનવજાતને બચાવવા બુદ્ધને માર્ગે વિશ્વએ ચાલવાની જરૂર છે. એકવીસમી સદીમાં ભારત અને જાપાનના સાંસ્કૃતિક સંબંધો પ્રતિબદ્ધતાથી આગળ વધી રહ્યા છે. જાપાનનાં પૂર્વ પ્રધાન શિન્જો આબેએ કાશીને રુદ્રાક્ષ અને અમદાવાદમાં ઝેન ગાર્ડનની તેમજ કૈઝાન અકાદમીની ભેટ આપી હતી.
2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન એમિશન
વડા પ્રધાન મોદીએ કહ્યું કે ભારત દેશ આત્મનિર્ભરતાનાં સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે. કલાઈમેટ ચેન્જની મંત્રણામાં ભારત અગ્રેસર રહ્યું છે. 2070 સધીમાં ભારત ઝીરો કાર્બન એમિશન માટે પ્રતિબદ્ધ છે. ગ્રીન ફ્યૂચર માટે દેશ કામ કરી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સોલર ઊર્જા માટે સહયોગ સાધ્યો છે. સૌને ભારત ચલો, ભારત સે જુડોની ઝુંબેશમાં જોડાવા મારી હાકલ છે.
દુનિયાના 40 ટકા ડિજિટલ ટ્રાન્ઝેકશન ભારતમાં
વડા પ્રધાન મોદીએ આ દરમિયાન જણાવ્યું કે દુનિયાભરમાં જે ડિજિટલ ક્રાંતિ આવી છે તેણે ભારતીય સમુદાય ઉપર પણ મોટી અસર કરે છે. આજે દેશમાં ગામડામાં રહેતા લોકો અને ખેડૂતોને તેમની સહાયની રકમ સીધી જ ખાતામાં મળે છે. દુનિયામાં જે ડિજિટલ ટ્રાન્ઝેક્શન થાય છે તેમાંથી 40 ટકા તો ભારતમાં જ થાય છે.
સાથી રાષ્ટ્ર વડાઓ કરતાં મોદી ડગલું આગળ
ક્વાડ મીટિંગમાં સામેલ થવા પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય દેશોના નેતાઓની એક તસવીર બહુ જ વાઇરલ થઇ છે. જેમાં મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડનથી એક ડગલું આગળ ચાલતા જોવા મળી રહ્યા છે. ભારતીયોમાં વાઇરલ થયેલી આ તસવીર સાથે ઘણા લોકોએ લખ્યું છે કે વિશ્વને માર્ગ ચીંધી રહેલા નરેન્દ્ર મોદી.