નવી દિલ્હીઃ ભાજપના બે નેતાઓએ મોહમ્મદ પયગમ્બર સાહેબ અંગે વિવાદિત નિવેદન કર્યું તેના પડઘા દુનિયાભરમાં પડ્યા છે. દુનિયાના 57 મુસ્લિમ દેશોના ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશને (ઓઆઇસી)એ આ વિવાદ સહિત મુસ્લિમોની સ્થિતિ અંગે ભારતની આકરી ટીકા કરી હતી. ઓઆઈસીએ આ નિવેદન સાથે ભારત અંગે દુનિયાભરમાં જુઠ્ઠાણાં ફેલાવ્યા તેનો ભારતીય વિદેશ મંત્રાલયે જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઓઆઈસી કોમવાદી એજન્ડા ચલાવવાનું બંધ કરે. ભારત બધા ધર્મો પ્રત્યે સમભાવ રાખે છે.
વિવાદના વૈશ્વિક પ્રત્યાઘાત
ભાજપના નૂપુર શર્મા અને નવીન કુમાર જિંદાલના મોહમ્મદ પયગંબર સાહેબ અંગેના વિવાદાસ્પદ નિવેદનના દુનિયાભરમાં પડઘા પડ્યા છે. ખાસ તો મુસ્લિમ દેશોમાં એ બાબતે ભારે વિરોધ ઊઠ્યો હતો. સાઉદી, ઈરાન, કુવૈત, કતાર, માલદિવ્સ, પાકિસ્તાન, બાંગ્લાદેશ વગેરેમાં તે નિવેદનની ટીકા થઈ હતી. કેટલાય મુસ્લિમ દેશોમાં તો ભારતીય ચીજવસ્તુઓના બહિષ્કારની હાકલ થઇ હતી.
ઓઆઇસીના સંયુક્ત નિવેદનમાં ભારતની ટીકા થઈ હતી. ભાજપના નેતાઓના નિવેદનના આધારે આખા દેશ સામે સવાલો ખડા કરાયા હતા. ભારત અંગે જુઠ્ઠાણું ચલાવીને આ સંગઠનના નિવેદનમાં કહેવાયું હતું કે ભારતમાં મુસ્લિમો પ્રત્યે ભેદભાવ વધ્યો છે એવા સમયે મોહમ્મદ પયગંબરસાહેબ અંગે નિવેદન આપ્યું છે. ભારતમાં મુસ્લિમો સામે વિવિધ પ્રકારના પ્રતિબંધો મૂકાઈ રહ્યા છે. શૈક્ષણિક સંસ્થાનોમાં હિઝાબ પહેરવા અંગે તો અગાઉથી જ ઘણાં રાજ્યોમાં પ્રતિબંધ મૂકાઈ ગયો છે. મુસ્લિમો સામે હિંસાના કેસ થઈ રહ્યા છે. યુએન ભારત સામે યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે.
ભારતમાં તમામ ધર્મોનું સન્માન
ઓઆઈસીની આ આકરી ટિપ્પણી પછી ભારતે પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ કહ્યું હતું કે અમે ઓઆઈસીએ જારી કરેલું નિવેદન જોયું છે. ભારત સરકાર ઓઆઈસીનું આ બિનજરૂરી અને સંકીર્ણ માનસિક્તા ધરાવતું નિવેદન નકારી કાઢે છે. ભારતમાં તમામ ધર્મોનું સન્માન થાય છે. ધાર્મિક ભાવના દુભાય તેવા નિવેદનો કેટલાય લોકોના છે અને ટ્વિટ્સ પણ વ્યક્તિગત છે. તેમની સામે કાર્યવાહી કરાઇ છે. એ નિવેદનોને દેશભરના કે સરકારના ગણાવી શકાય નહીં. ઓઆઈસી કોમવાદી નિવેદનો ન આપે એ યોગ્ય રહેશે. ખાસ એજન્ડા ચલાવવાનું પણ રહેવા દે. આવા નિવેદનો દુર્ભાગ્યપૂર્ણ છે. ભારત આવા ભ્રામક, દ્વૈષપૂર્ણ નિવેદનોને વખોડી કાઢે છે. એમાં નિહિત સ્વાર્થ જણાઈ રહ્યો છે.
પાક.ના મોંઢે સૂફિયાણી વાત શોભતી નથી
ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પાકિસ્તાનના સંદર્ભમાં કહ્યું હતું કે પાકિસ્તાન ડાહી ડાહી વાતો કરવાનું બંધ કરે. સૌથી વધુ લઘુમતીઓ ઉપર પાકિસ્તાનમાં હુમલા થાય છે તે દુનિયા જાણે છે. ભારતમાં દરેક ધર્મના લોકોને પૂરતી સ્વતંત્રતા મળે છે. પાકિસ્તાન તેમની આંતરિક બાબતોમાં ધ્યાન આપે તે બહેતર રહેશે. ભાગલવાદી એજન્ડા ચલાવીને વિશ્વને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ટ્વિટરમાં ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. મોદી સરકારના કાર્યકાળમાં ભારતમાં મુસ્લિમો પ્રત્યે ભેદભાવ વધ્યો હોવાની ટ્વિટ શાહબાઝે કરી હતી. ભારતે સવાલ ઉઠાવ્યો હતો કે મુસ્લિમ દેશોનું સંગઠન ચીનના ઉઈઘુર મુસ્લિમો બાબતે કેમ ચૂપ છે?