વોશિંગ્ટનઃ ફિલ્મ પાઈરસી વેબસાઈટ Kickass Torrentના માલિકની ધરપકડ કરાઈ હોવાનો અમેરિકન અખબારી અહેવાલોમાં દાવો કરાયો છે. અમેરિકાએ તાત્કાલિક અસરથી વિશ્વભરમાં આ પાઈરસી વેબસાઈટનું ડોમેન બંધ કરાવી દીધું હતું. દુનિયાભરની ભાષાઓમાં બનતી ફિલ્મોની પાઈરેટેડ કોપી ઓનલાઈન ઉપલબ્ધ કરાવતી વેબસાઈટ Kickass Torrentના માલિકને અંતે ઝડપી લીધો હોવાનો દાવો થયો છે. યુક્રેનના ૩૦ વર્ષના નાગરિક એર્ટેમ વાઉલીનને પોલેન્ડમાંથી ઝડપી લેવામાં અમેરિકન પોલીસને સફળતા મળી હોવાનો અમેરિકન અખબારોએ દાવો કર્યો છે. એ સાથે જ અમેરિકાએ વિશ્વભરમાં આ વેબસાઈટનું ડોમેન બ્લોક કરાવી દીધું છે. એર્ટેમ ઉપર અમેરિકામાં કોપીરાઈટનો ભંગ અને મની લોન્ડરિંગ એમ બે ગંભીર આરોપ લાગ્યા હતા.