આખરી તબક્કાના કેન્સરના કારણે માથે તોળાતા મોતનો સામનો કરી રહેલા ન્યુરોસર્જન પોલ કલાનિથિએ કેન્સરના પેશન્ટ તરીકે જિંદગીના શેષ રહેલાં અમૂલ્ય સમય કેવી રીતે વીતાવ્યો તેની કથા પોતાના સંસ્મરણો ‘વ્હેન બ્રેથ બીકમ્સ એર’માં વર્ણવી છે. પુત્રીના જન્મની ઉજવણી અને મૃત્યુના આગમનનો ભય- આ બન્ને વસ્તુ સુંદર રીતે સાથે મૂકાઈ છે. મરણાસન્ન વ્યક્તિએ કેવી રીતે જીવન માણવું જોઈએ તે શીખવાના પ્રયાસની આ કથા છે.
ભારતીય ઈમિગ્રન્ટ પેરન્ટના સંતાન કલાનિથિને સાહિત્ય અને વિજ્ઞાનમાં એકસમાન રસ હતો. તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ઈંગ્લિશ અને બાયોલોજીનો અભ્યાસ કર્યા પછી ઈંગ્લિશ સાહિત્યમાં માસ્ટર, કેમ્બ્રિજમાંથી ફિલોસોફીના માસ્ટરની ડીગ્રી મેળવી ત્યારે યક્ષપ્રશ્ન એ થયો કે કારકીર્દિ કયા વિષયમાં આગળ વધારવી. તેમણે લખ્યું છે, ‘હું અર્થ અથવા અનુભવ, એકનો અભ્યાસ કરી શકતો હતો.’ આખરે તેમણે યેલ યુનિવર્સિટીમાં મેડિસિનનો અભ્યાસ પસંદ કર્યો હતો.
મેડિસિનમાં આશાસ્પદ કારકીર્દિના કિરણો દેખાતા હતા ત્યારે ૩૬ વર્ષની વયે ૨૦૧૩માં ચોથા સ્ટેજના લંગ કેન્સરના નિદાન સાથે કુદરતે કારી ઘા માર્યો. તે પોતે ડોક્ટર હોવાથી સીટી સ્કેનમાં મલ્ટિપલ ટ્યુમર દેખાયા તે પહેલા જ તેને અમંગળ ભાવિ દેખાઈ ગયું હતું. તેઓ લખે છે,‘સીટી સ્કેન ઈમેજીસમાં ફેફસા સંખ્યાબંધ ટ્યુમર્સથી ઘેરાયેલાં હતાં, કરોડમાં વિકૃતિ હતી અને લિવરનો એક હિસ્સો જ ભૂંસાઈ ગયો હતો. હું તાલીમના છેલ્લા વર્ષમાં પ્રવેશેલો ન્યુરોસર્જિકલ રેસિડેન્ટ હતો. છ વર્ષમાં મેં પેશન્ટને કોઈ પ્રક્રિયાથી મદદ મળે તેવા હેતુ સાથે આવા સંખ્યાબંધ સીટી સ્કેન્સ નિહાળ્યા હતા. પરંતુ આ સ્કેન તો અલગ હતો, તે મારો પોતાનો સ્કેન હતો.’
તેમણે ૩૬ વર્ષની યુવાન વયે મેડિકલ રિપોર્ટ્સમાં પોતાનું મોત વાચી લીધું હતું. આ પુસ્તક શક્તિશાળી ડોક્ટરમાંથી ચિંતાતુર દર્દીમાં સંક્રમણ થવાનું વર્ણન છે. થોડા હલબલી જવા છતાં આગળ કયા પગલાં લેવા તેનો સ્પષ્ટ ચિતાર કલાનિધિના મનમાં હતો. ‘મૃત્યુની તૈયારી કરવાની હતી. પત્નીને કહેવાનું હતું કે તેણે બીજા લગ્ન કરવા જોઈશે.’
બે વર્ષથી ઓછા સમય-માર્ચ ૨૦૧૫માં તેનું મોત થયું. આ સમયગાળામાં તેમણે એક ડોક્ટર અને પેશન્ટની અવસ્થાઓમાં મૃત્યુના સામનાના અનુભવ વિશે લખ્યું. કેમોથેરાપીથી કેન્સરનું આક્રમણ નબળું પડ્યું ત્યારે તેમણે રેસિડેન્સી પૂર્ણ કરવા કામ પણ આરંભ્યું. કલાનિથિ અને તેમના ફીઝિશિયન પત્ની ડો. લ્યુસી કલાનિથિએ સંતાન માટે અતિ મહત્ત્વનો નિર્ણય લીધો અને તેના મૃત્યુના નવ માસ પહેલા જ દીકરીએ દુનિયામાં અવતરણ કર્યું હતું. દીકરીના અસ્તિત્વમાં જ તેમને પોતાના જીવનનો અર્થ સમજાઈ ગયો.
કેન્સરે આક્રમણ કર્યા પછી કલાનિથિએ મૃત્યુનો અનુભવ અને અર્થ સમજવા ફરી સાહિત્યનું શરણ લીધું. તેમનો આખરી નિર્ણય હતો,‘હું મોત તરફ સરકતો જતો હોવાં છતાં, વાસ્તવમાં મોત ન આવે ત્યાં સુધી તો હું જીવતો જ છું.’ કલાનિથિના પિતા નામાંકિત કાર્ડિયોલોજિસ્ટ અને માતા ભારતમાં તાલીમબદ્ધ ફીઝિયોલોજિસ્ટ છે. એક ભાઈ ન્યુરોલોજિસ્ટ છે તો બીજો ભાઈ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સાથે સંકળાયેલો છે. કલાનિથિને ડોક્ટર નહિ, પરંતુ લેખક થવાની ઈચ્છા હતી. આમ છતાં, માનવ જીવવિજ્ઞાનમાં તેમને ભારે રસ હતો. પીડા સાથે તાદાત્મ્ય અનુભવવા, જીવનમાં ખરેખર શું મહત્ત્વનું છે તે સમજવા જ તેઓ ન્યુરોસર્જન થયા હતા. પરિવાર, મેડિસિન અને સાહિત્યના વિચારપ્રેરક ત્રિવેણી સંગમ, હૃદયંગમ સંસ્મરણોથી સભર આ પુસ્તક પ્રસિદ્ધ થતું જોવા કલાનિથિ રહ્યા ન હતા.