શ્રીનગરઃ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરનું મોત થયું હોવાની વાતો રવિવારે દુનિયાભરમાં ફેલાઈ હતી. જોકે આ વાત અફવા જ સાબિત થઇ છે. જૈશ તેમજ પાક. મીડિયાએ મસૂદ અઝહર જીવતો હોવાનો દાવો કર્યાના કલાકોમાં પાકિસ્તાની સેનાએ રવિવારે સાંજે મસૂદ અઝહરને રાવલપિંડી ખાતેની બેઝ હોસ્પિલમાંથી બહાવલપુર ખાતે જૈશના કેમ્પ ગોથ ગન્નીમાં શિફ્ટ કર્યો હોવાના અહેવાલ છે. તેનાં મોતની અફવા શરૂ થઈ ત્યારે જ તેને ગોથ ગન્ની કેમ્પમાં લઈ જવાયો હતો. અઝહરને પાક.ની આર્મી હોસ્પિટલમાંથી ખસેડ્યા બાદ જૈશ દ્વારા પાક. સરકારની ભારે ટીકા કરાઈ છે. જેમાં પાક. સરકાર પર આરોપ લગાવાયો હતો કે તે ભારત સરકાર અને આંતરરાષ્ટ્રીય સમુદાય સામે ઝૂકી ગઈ છે.
ઇમરાન સરકાર પર આરોપ
મસૂદ અઝહરનાં મોતની અફવા પછી જૈશ દ્વારા ખુલાસો કરાયો હતો કે તે જીવતો છે અને તેની તબિયત સ્થિર છે. જૈશે બાલાકોટ ખાતે તેનાં ટ્રેનિંગ સેન્ટર પર ઇન્ડિયન એરફોર્સે એર સ્ટ્રાઈક કર્યાનું સ્વીકાર્યું છે, પણ કોઈના મોતનો ઇનકાર કર્યો છે. જૈશે આક્ષેપ કર્યો હતો કે ભારતનાં દબાણથી ઇમરાન સરકાર હવે જૈશ સામે મુશરર્ફની જેમ કડક પગલાં લઈ રહી છે.
મસૂદની સુરક્ષા માટે કમાન્ડો
અઝહરને કિડનીની બીમારી થઈ છે અને તે ગંભીર માંદગીમાં પટકાયો છે. તેની સ્થિતિ ઘરમાંથી બહાર નીકળી શકે તેમ નથી તેવો બચાવ પાક.ના વિદેશપ્રધાન શાહ મહેમૂદ કુરેશીએ કર્યો હતો. મસૂદની ઘણા સમયથી રાવલપિંડીની આર્મી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પાક. આર્મી હેડ ક્વાર્ટર રાવલપિંડીમાં જ છે. પુલવામા હુમલાની જવાબદારી જૈશ દ્વારા લેવાયા પછી પાક. સરકાર, આઈએસઆઈ તેમજ આર્મીએ તેની સુરક્ષા વધારી દીધી છે. તેની સાથે ૨૪ કલાક પાકિસ્તાન સ્પેશિયલ સર્વિસ ગ્રૂપના ૧૦ કમાન્ડો હોય છે.
અફવાના સંભવિત કારણો
જૈશના વડા મસૂદ અઝહરનાં મોતની અફવા રવિવારથી શરૂ થઈ છે. આવી અફવા ફેલાવવા માટે ચાર કારણો મહત્ત્વનાં મનાય છે. પુલવામા હુમલા પછી પાક. સરકાર જૈશ, મસૂદ તેમજ આઈએસઆઈ ભારતનાં ટાર્ગેટ પર છે. આ તમામ પર ભારતનું અને અન્ય દેશોનું દબાણ છે. આથી ભારત અને વિશ્વને ગેરમાર્ગે દોરવા મસૂદને અંડરગ્રાઉન્ડ કર્યો હોય તેવી છે.
બીજી શક્યતા એવી છે કે પાક. દ્વારા જ મસૂદના મોતની અફવા ફેલાવવાનો ડ્રામા કરાયો હોય તેમ બની શકે છે.
ત્રીજી શક્યતા એવી છે કે આતંક મુદ્દે પાક બેનકાબ થયો હોવાથી પાકે. જ તેને ઠેકાણે પાડ્યો હોઈ શકે છે.
ચોથી શક્યતા એવી છે કે ભારતનો બાલાકોટ સ્ટ્રાઈકમાં મસૂદનું મોત થયું હોઈ શકે છે. જો પાકિસ્તાન જાહેર કરે કે ભારતના હુમલામાં મસૂદ મર્યો છે તો દેશમાં આતંકીઓ અને આંતકી અડ્ડાઓ હોવાનું સાબિત થઈ જાય. આથી કિડની- લીવરની બીમારીથી તે મરી ગયાનું જાહેર કરીને પાક. પોતાને બચાવવા માગતું હોય.