નવી દિલ્હીઃ એલન મસ્કે ટ્વિટરને હસ્તગત કર્યા બાદ તેમાંથી કર્મચારીઓની મોટાપાયે છટણી કર્યા બાદ તેને ફોલો કરનારા વધી ગયા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટા પ્લેટફોર્મ્સ ઈન્કે. એ તેના 11 હજાર કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢ્યા છે. છટણીને પગલે તેના શેરના ભાવમાં કડાકો બોલી જતાં માર્કેટ કેપમાં 67 બિલિયન ડોલરનું ધોવાણ થયું છે.
એક અહેવાલ અનુસાર, અમેરિકાની સિલિકોન વેલીમાં વિવિધ ટેક કંપનીઓએ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 45 હજારથી વધુ કર્મચારીઓની છટણી કરી છે. ભારતમાં પણ વિવિધ ટેક કંપનીઓ સાથે સંકળાયેલા આશરે 15,708 કર્મચારીઓએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. જેમાં બાઈજુ, ચાર્જબી, કાર્સ24, લીડ, ઓલા, મીશુ અને એમપીએલ સહિત 44 સ્ટાર્ટઅપ્સના કર્મચારીઓનો પણ સમાવેશ છે.
વૈશ્વિક મંદીની ભીતિ વચ્ચે આથી પણ વધુ કંપનીઓ છટણી કરવાના મૂડમાં છે. મેટાના કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાની જાહેરાત ખુદ તેના માલિક માર્ક ઝકરબર્ગે જ કરી હતી અને આ નિર્ણય પાછળ કંપનીની આવકમાં ઘટાડાનું કારણ જવાબદાર હોવાનું જણાવ્યું હતું.
એક બ્લોગમાં ઝકરબર્ગે આ નિર્ણયની જાહેરાત કરતાં લખ્યું હતું કે આજે હું મેટાના ઈતિહાસમાં લેવાયેલા સૌથી મુશ્કેલ નિર્ણય પૈકીના એક અંગે જણાવી રહ્યો છું. અમે આપણી ટીમની સાઈઝમાં આશરે 13 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. જેને કારણે આશરે 11 હજારથી વધુ પ્રતિભાશાળી કર્મચારીઓની નોકરી છીનવાઈ જશે. હાલમાં મેટામાં આશરે 87 હજારથી વધુ કર્મચારીઓ કામ કરે છે.
ઝકબરબર્ગે કહ્યું કે આજે અમે જે નિર્ણય પર પહોંચ્યા છીએ તેની જવાબદારી હું લઉં છું. હું જાણું છું કે આ દરેક માટે મુશ્કેલ છે. જેમને આ નિર્ણયની અસર થઈ છે તે લોકોની હું માફી માંગવા માંગુ છું.
અહેવાલો અનુસાર મેટાના હ્યુમન રિસોર્સ વિભાગના અધ્યક્ષ લોરી ગોલરે માહિતી આપી હતી કે છટણી કરાયેલા કર્મચારીઓને ચાર મહિનાનું વેતન અપાશે. મેટામાં વ્હોટ્સએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ઉપરાંત વિશ્વના કેટલાંક નાના-મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો સમાવેશ થાય છે અને સપ્ટેમ્બર 2022 સુધીમાં તેના કર્મચારીઓની કુલ સંખ્યા આશરે 87,314 હતી.