મેક્સિકો: આમ તો અજબગજબ લગ્નના ઘણા કિસ્સાઓ અવારનવાર આપણે સાંભળીએ છીએ, પરંતુ લગ્નનો એક ખૂબ અજીબોગરીબ કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાત સધર્ન મેક્સિકોની છે. દક્ષિણ મેક્સિકોના સાન પેડ્રો હુઆમેલુલા શહેરના મેયર વિક્ટર હ્યુગો સોસાએ એક પરંપરાગત સમારોહમાં માદા મગર સાથે લગ્ન કર્યા છે. આ લગ્ન સારા નસીબ લાવતા હોવાનું માનવામાં આવે છે. આ 230 વર્ષથી ચાલી આવતી પ્રથા છે, જેને સારા નસીબ લાવવાના ઉદ્દેશ સાથે કરવામાં આવે છે.
આ અનોખી પરંપરા અનુસાર, માદા મગરને લગ્ન માટે આબેહૂબ દુલ્હનની જેમ શણગાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મગરને લીલા રંગનું સ્કર્ટ પહેરાવવામાં આવે છે અને રંગબેરંગી રિબિનથી સજાવવામાં આવે છે. બાદમાં, લગ્ન સમયે તેને સફેદ રંગના કપડા પહેરાવીને તેના મોઢાને એક પટ્ટીથી બંધ કરી દેવામાં આવે છે, જેથી કોઈ દુર્ઘટનાથી બચી શકાય. લગ્ન સમારંભ પહેલા મગરને દરેક ઘરે લઈ જવામાં આવે છે, જેથી આ વિસ્તારના લોકો તેને પોતાના હાથમાં લઈને નૃત્ય કરી શકે.
વાત એમ છે કે મેક્સિકોના આ પ્રદેશની લોકવાયકા મુજબ, આ માદા મગરને રાજકુમારી માનવામાં આવે છે. એક સમયના રાજા એટલે કે હાલના મેયરે બીજા સમુદાયની રાજકુમારી એટલે માદા મગર સાથે લગ્ન કર્યા હતાં અને બંને સમુદાયો વચ્ચેનો તણાવ સમાપ્ત થઈ ગયો હતો. બસ, ત્યારથી આ લગ્ન પરંપરાનું અચૂક પાલન થઇ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ચોંટલ અને હુઆવે સ્થાનિક જૂથો વચ્ચે શાંતિની યાદમાં આ લગ્ન સમારોહ યોજવામાં આવે છે. મેયર, ચોંટલ રાજાનું પ્રતીક છે અને તે માદા મગર સાથે લગ્ન કરે છે, જે બંને સંસ્કૃતિઓના મિલનનું પ્રતીક માનવામાં આવે છે.
હોલમાં હાજર હજારો લોકોની હાજરીમાં મેયરે આ માદા મગર સાથે લગ્ન કર્યા હતા. સોસાએ લગ્નની વિધિ દરમિયાન જણાવ્યું કે, તેઓ લગ્નની જવાબદારી સ્વીકારે છે. એટલું જ નહીં, મેયરે ઉપસ્થિત મહેમાનોને વચન આપતા કહ્યું હતું કે અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને હું તેની જવાબદારી લઉં છું. જીવનમાં આ જ મહત્વનું છે. તમે પ્રેમ વિના લગ્ન કરી શકતા નથી... હું રાજકુમારી કન્યા સાથે લગ્ન કરવા તૈયાર છું. આ પછી તેમણે માદા મગરના રૂપમાં રહેલી રાજકુમારી સાથે લગ્ન કર્યા હતાં.