બાલ્ટીમોરઃ અમેરિકામાં ફરી એક વાર બાળકોના યૌનશોષણનો કેસ સામે આવ્યો છે. અમેરિકાના મેરીલેન્ડ રાજ્યના એટર્ની જનરલે ૫૦૦ પાનાનો અહેવાલ જારી કરીને કહ્યું છે કે બાલ્ટીમોરના રોમન કેથલિક ચર્ચના 156 પાદરી અને મોટા અધિકારીઓએ 1940થી અત્યાર સુધીમાં 600થી વધુ બાળકોનું યૌનશોષણ કર્યું છે. અમેરિકાના સૌથી જૂના રોમન કેથલિક ચર્ચના બાલ્ટીમોર ધર્મપ્રાંતના વ્યવસ્થાતંત્રે આવા કાળા કરતૂતને 80 વર્ષ સુધી છુપાવી રાખવા કરોડો ડોલર ખર્ચ કર્યા છે.
આ કેસમાં પીડિતોના સ્વૈચ્છિક નિવેદન આધારે 1980થી અત્યાર સુધીમાં 301 પીડિતોને દેખભાળ અને સંભાળના વળતર રૂપે 1.32 કરોડ ડોલરની ચુકવણી થઈ છે. એટર્ની જનરલ એન્થની બાઉને અહેવાલ જારી કરીને કહ્યું છે કે, ટૂંક સમયમાં જ ઇસ્ટર રવિવાર આવવાનો છે. ચાર વર્ષની તપાસને અંતે તૈયાર થયેલો આ અહેવાલ લોકોની સામે મૂકવાનો આનાથી સારો સમય નથી. વર્ષ 2019માં રાજ્યના સત્તાવાળાએ તપાસ શરૂ કરીને એક લાખથી વધુ દસ્તાવેજોની સમીક્ષા કરી હતી. સમીક્ષા આધારે સેંકડો પીડિતો અને સાક્ષીઓની પણ મુલાકાત લેવામાં આવી હતી. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મોટા ભાગના બાળકોના કિસ્સામાં યૌનશોષણ તે ભગવાનની મરજી હોવાનું કહીને બાળકોને મજબૂર કરાતા હતા.
મેરીલેન્ડમાં યૌનશોષણ કાયદામાં સુધારો
મેરીલેન્ડ રાજ્યની સેનેટ સમક્ષ આ કેસ આવાં સેનેટે યૌનશોષણના કિસ્સામાં કેસ દાખલ કરવાની સમયમર્યાદા જેવા કાનૂની બંધનોને દૂર કર્યા હતા. મેરીલેન્ડમાં હવે નવી વ્યવસ્થા મુજબ યૌનશોષણનો શિકાર બનેલી વ્યક્તિ યૌનશોષણના જૂના કિસ્સામાં પણ કેસ કરી શકે છે.