ન્યૂ યોર્કઃ હોલિવૂડની જગવિખ્યાત અભિનેત્રી મેરેલીન મનરોના એક યાદગાર પેઇન્ટિંગના 158 મિલિયન પાઉન્ડ (આશરે રૂ. 1,500 કરોડ) ઊપજ્યા છે. આટલી તોતિંગ કિંમતે આ પેઇન્ટિંગ ખરીદનાર વ્યક્તિનું નામ જાહેર કરાયું નથી. મેરેલિન મનરોના વિખ્યાત ફોટોગ્રાફમાંથી પ્રેરણા લઇને એન્ડી વોરહોલ નામના કલાકારે 1964માં ‘શોટ સેગ બ્લ્યુ મેરેલિન’ નામનું આ પેઇન્ટિંગ બનાવ્યું હતું. ક્રિસ્ટી દ્વારા ન્યૂ યોર્કમાં યોજાયેલી આ હરાજી યોજાઇ હતી. આ અત્યાર સુધી વેચાયેલું બીજા ક્રમનું સૌથી મોંઘામાં મોઘું પેઇન્ટિંગ છે. મેરેલીનના મૃત્યુના બે વર્ષ પછી બનાવાયેલા આ ચિત્રના પાંચ અલગ રંગના વર્ઝન તૈયાર કરાયા છે.
ગેગોસિયન ગેલેરીના ચીફ ઓપરેટિંગ ઓફિસર અને ટોપ ડીલર એન્ડ્ર્યુ ફેબ્રિકન્ટે જણાવ્યું હતું કે ગુણવત્તા અને તંગી હંમેશા બજારને આગળ વધારવા માટે કામ કરશે.
મેરેલીનના પેઇન્ટિંગમાં શાનદાર રંગ સંયોજન અને સુંદર એક્સપ્રેશન દેખાય છે. આ પેઈન્ટિંગ વોરહોલના સૌથી લોકપ્રિય આર્ટવર્કમાંનું એક છે. આ પેઈન્ટિંગ કોણે ખરીદ્યું તેની માહિતી હજી સુધી જાહેર કરાઇ નથી.
મેરેલીનના ચહેરાનો આ જાણીતો ફોટોગ્રાફ ફિલ્મ ‘નાયગરા’ પોસ્ટર આધારિત છે. વિશ્વમાં આ અત્યાર સુધીનું બીજું મોંઘું આર્ટવર્ક છે. સૌથી મોંઘું આર્ટવર્ક લિઓનાર્ડો દ વિન્ચીનું સાલ્વાતોર મંડી છે. આ પેઈન્ટિંગ 2017માં રૂ. 3,500 કરોડમાં વેચાયું હતું. તેના પછી ત્રીજા નંબરે પિકાસોનું લેસ ફ્રેમ્સ ડી એલ્ગર છે. તે 2017માં રૂ. 1,400 કરોડમાં વેચાયું હતું.