મેલબોર્નઃ બેફામ કારચાલકે રાહદારીઓને કચડ્યા, ૧૪ ગંભીર

Thursday 21st December 2017 07:07 EST
 
 

મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાના પાટનગર મેલબોર્નના લોકોની અવરજવરથી ધમધમતા ફ્લિડર્સ સ્ટ્રીટ વિસ્તારમાં એક કારચાલકે બેફામ ડ્રાઇવિંગ કરીને અનેકને હડફેટે લીધા હતા. ઘટનામાં ૧૯થી વધુ ઘાયલ થયા છે, જેમાંથી ચાર વર્ષના એક બાળક સહિત ૧૪ની હાલત ગંભીર હોવાનું પ્રાથમિક અહેવાલમાં જણાવાયું છે. પોલીસે આ અંગે કારચાલક અને તેની સાથે રહેલી એક વ્યક્તિની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે.

પોલીસનો દાવો છે કે, આરોપીઓએ જાણીજોઇને આ ઘટનાને અંજામ આપ્યા છે. જોકે આ ઘટના આતંકી હુમલો છે કે કેમ તે વાતે કોઇ સ્પષ્ટતા કરાઇ નથી. આ ઘટના સ્થાનિક સમય પ્રમાણે સાંજના સમયે અંદાજિત સાડા ચાર વાગ્યે થઇ.

ઘટનાને નજરે નિહાળનાર લોકોના જણાવ્યા પ્રમાણે, એક પછી એક અનેક રાહદારીઓને હડફેટે લીધા પછી પણ કારની સ્પીડ ઓછી નહોતી થઇ. આ ઘટના બાદ ઓસ્ટ્રેલિયાના બીજા શહેરોમાં પણ ભયનું મોજું ફરી વળ્યું છે. સમગ્ર ઘટના નજરે નિહાળનાર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, કારની ટક્કરમાં આવનારા લોકો હવામાં ઉછળીને નીચે પડતાં જોવા મળ્યા હતા.
એક અન્ય સાક્ષીએ જણાવ્યું હતું કે, સુઝૂકી ગ્રાન્ડ વિટારા કારમાં બે લોકો સવાર હતા. કાર ભીડમાં ઘૂસી ત્યારે એવું બિલકુલ ના લાગ્યું કે આ કારને અટકાવવાની કોશિશ કરવામાં આવી હોય. આ અકસ્માત જાણી જોઇને જ કરવામાં આવ્યો છે.
મેલબોર્ન રેડિયો સ્ટેશન થ્રી-એડબ્લ્યુ સાથેની વાતચીતમાં એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, અમે દેકારો સાંભળ્યો અને અમારી ડાબી તરફ જોયું, તો એક સફેદ કાર રાહદારીઓને કચડતી આગળ જઇ રહી હતી.
ઉલ્લેખનીય છે કે મેલબોર્નમાં આ વર્ષની આ બીજી ઘટના છે. વર્ષના પ્રારંભે જાન્યુઆરીમાં એક કાર મેલબોર્નના વ્યસ્ત શોપિંગ મોલમાં ઘૂસાડી દેવામાં આવી હતી. આ ઘટનામાં છ લોકોનાં મોત થયા હતા. આ મામલાની હાલમાં કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter