વડોદરાઃ જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામના વતની અને સાઉથ આફ્રિકામાં મોઝામ્બિકના સુમઇમાં સ્થાયી થયેલા વેપારી હનીફ મહંમદ બંગલાવાલાની ગોળી મારીને હત્યા કરાતાં ભારતીય સમુદાયમાં આઘાતની લાગણી ફરી વળી છે. મકાનમાં લૂંટ કરવાના ઇરાદે ઘૂસ્યા હોવાનું મનાતા ચાર અશ્વેત હુમલાખોરોએ પત્ની અને પુત્રી પાસેથી લેપટોપ અને મોબાઇલ આંચકી લીધા બાદ હનીફભાઇ પર ચાર રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. કરજણ તાલુકામાં બંગલાવાલા પરિવાર તરીકે જાણીતા કુટુંબના સભ્ય એવા હનીફભાઇની દફનવિધિ મોઝામ્બિકમાં જ કરવામાં આવી હતી.
વલણ ગામમાં વસતાં લોકોના જણાવ્યા અનુસાર બંગલાવાલા પરિવારના ૫૦ વર્ષના હનીફભાઇ છેલ્લા કેટલાક વર્ષોથી પત્ની, પુત્રી રઇશા અને જમાઇ સાથે સાઉથ આફ્રિકામાં મોઝામ્બિકના સુમઇમાં સ્થાયી થઇને કટલેરીનો વ્યવસાય કરતા હતા. ૧૫ સપ્ટેમ્બરે સાંજે છથી સાત વાગ્યાના અરસામાં તેઓ ઘરમાં બેસીને ધંધાનો હિસાબ કરી રહ્યા હતા ત્યારે જ ચાર અશ્વેત યુવાનો લૂંટના ઇરાદે ધસી આવ્યા હતા.
અજાણ્યા શખસોને ઘરમાં ઘૂસેલા જોઇને હનીફભાઇના પત્ની અને પુત્રીએ તેમને પડકાર્યા હતા. આ બોલાચાલી સાંભળીને હનીફભાઈ પોતાના રૂમમાંથી બહાર આવતાં જ લૂંટારુઓએ તેમના પર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાંથી બે ગોળી હનીફભાઇને કમરમાં અને બે ગોળી ગળાના ભાગે લાગી હતી. થોડીક ક્ષણોમાં તો હુમલાખોરો નાસી છૂટ્યા હતા.
અન્ય એક અહેવાલ અનુસાર, ચારેય હુમલાખોરો પહેલાં તો રસોડામાં કામ કરતાં હનીફભાઇના પત્ની અને દીકરી પાસે ધસી ગયા હતા અને બે મોબાઇલ તથા લેપટોપ આંચકી લઇને રસોડાના દરવાજા બંધ કરી દઇને તેમને પૂરી દીધા હતા. દરમિયાન ઝપાઝપીનો અવાજ સાંભળીને હનીફભાઇ પોતાના રૂમમાંથી દોડી આવતાં એક હુમલાખોરે ધડાધડ ગોળીબાર કરતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
હનીફભાઇનો એક પુત્ર રિઝવાન અને પુત્રી તબ્બસુમ વલણ ગામમાં જ રહીને અભ્યાસ કરે છે. રિઝવાન ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે, જ્યારે તબ્બસુમ ફાર્મસીમાં ભણે છે. હનીફભાઇના ભાઇ ઐયુબભાઇ બંગલાવાલા પણ વલણમાં વસે છે. હનીફભાઇની હત્યાના સમાચારથી વલણમાં તેમના પરિવારજનો તથા સંબંધીઓમાં ગમગીનીનો માહોલ ફરી વળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સાઉથ આફ્રિકામાં અંક્લેશ્વરના પીરામણ ગામના એક યુવાનની હત્યા થયાના સમાચાર હતા. આ સમાચારની હજુ શાહી પણ સુકાઇ નથી ત્યાં હુમલાખોરોએ વલણ ગામના બંગલાવાલા પરિવારની એક વ્યક્તિનો જીવ લીધો છે.