ઓસાકા (જાપાન)ઃ જી-૨૦ શિખર સંમેલનમાં ભાગ લેવા જાપાન પહોંચેલા વડા પ્રધાન મોદી જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબેને મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચે ભારત અને જાપાનના સંબંધો વિશે મંત્રણા થઈ હતી. આબે સાથેની બેઠક બાદ વડા પ્રધાન મોદીએ એક તસવીર પર ટ્વિટ કરી હતી જેમાં લખ્યું હતું કે ભારત અને જાપાન વચ્ચે વ્યાપક સહકાર હોવો બંને દેશોના લોકોના કલ્યાણ અને સમગ્ર વિશ્વ માટે જરૂરી છે.
વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું કે મોદી અને આબે વચ્ચે મુંબઈ-અમદાવાદ બુલેટ પ્રોજેક્ટ તથા વારાણસી કન્વેન્શન સેન્ટર અંગે ટૂંકી ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું કે બંને નેતાઓ વચ્ચેની મુલાકાત બહુ જ ઉષ્માપૂર્ણ રહી હતી. બંને નેતાઓએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિ અંગે પણ સમીક્ષા કરી હતી. બંને નેતાઓ જૂના મિત્રો છે. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો અંગે ખૂબ જ સકારાત્મક અને વ્યાપક ચર્ચા થઈ હતી.
વડા પ્રધાન મોદીએ તેના પરમ મિત્ર શિન્ઝો આબેને કહ્યું કે ચૂંટણીની જીત બાદ મને અભિનંદન આપનાર તમે પહેલા નેતા હતા. અભિનંદન બદલ તમારો ફરી એક વાર આભાર. તમે અને જાપાન સરકારે જે રીતે મારું ભવ્ય સ્વાગત કર્યું તે બદલ ફરી તમારો આભાર માનું છું.