નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં સફળતાના પગલે સરકાર બનાવ્યા પછી પ્રથમ દ્વિપક્ષીય મુલાકાતમાં વડા પ્રધાન મોદી સૌપ્રથમ માલદિવ્સની મુલાકાતે જાય તેવી શક્યતા હોવાનું રાજદ્વારી સૂત્રો અને માલદિવ્સના માધ્યમોએ કહ્યું હતું. ૨૦૧૪માં વડા પ્રધાન બન્યા પછી મોદીએ સૌપ્રથમ ભુટાનની મુલાકાત લીધી હતી. રાજદ્વારી સૂત્રોએ કહ્યું હતું કે જૂનના પ્રથમ સપ્તાહમાં વડા પ્રધાન માલદિવ્સના પ્રવાસે જાય તેવી શક્યતા છે. જ્યારે માલદિવ્સની માધ્યમોએ કહ્યું હતું કે જૂનની સાત-આઠમીએ મોદી માલેમાં આવશે. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે માર્ચમાં માલદિવ્સની મુલાકાત લીધી હતી જે ગયા મહિને પ્રમુખ ઇબ્રાહીમ મોહમ્મદ સાલેહની સરકાર બન્યા પછી ભારતમાંથી ટાપુના આ દેશની પ્રથમ પૂર્ણ કક્ષાની મુલાકાત હતી.