બેઈજિંગઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચેની સૂચિત બેઠક પહેલાં ચીને વિશ્વને સંદેશો આપવા પ્રયાસ કર્યો છે. ચીને સોમવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રમુખ શી જિનપિંગ વુહાનમાં યોજાનારી બિનઔપચારિક શિખર બેઠકમાં વૈશ્વિકરણ અને વધી રહેલા સંરક્ષણવાદને મુદ્દે પ્રવર્તી રહેલા જોખમને મુદ્દે ચર્ચા કરશે અને વિશ્વને ખૂબ હકારાત્મક વાતો સાંભળવા મળશે.
વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ રવિવારે ઘોષણા કરી હતી કે મોદી અને શી જિનપિંગ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા ૨૭ અને ૨૮મી એપ્રિલના રોજ ચીનના વુહાન શહેરમાં મળશે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા લુ કાંગે જણાવ્યું હતું કે વુહાનમાં બંને નેતા મહત્ત્વના વ્યૂહાત્મક મુદ્દે ચર્ચા કરવા ઉપરાંત વિશ્વના વર્તમાન ઘટનાક્રમો અંગે પણ પોતાના વિચારોનું આદાનપ્રદાન કરશે.
ચીનની પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તમને અંદાજ હશે કે બેઠક એવા સમયે થઈ રહી છે કે જ્યારે વિશ્વમાં વૈશ્વિકરણની પ્રક્રિયામાં મનમાની વધી છે અને સંરક્ષણવાદે પણ જોર પકડયું છે. બંને નેતા વચ્ચે બેઠકમાં આ તમામ મુદ્દે ચર્ચા થશે. સ્પષ્ટ છે કે તેમનો ઈશારો અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ તરફ હતો. તે નીતિને કારણે અમેરિકી સંરક્ષણવાદ વધતાં ચીન અને અમેરિકા વચ્ચે વેપાર યુદ્ધ ચાલી રહ્યું છે.
ભારત-ચીને સંબંધો મજબૂત કરવા એકબીજાની ભાષા શીખવી પડશે: સુષમા
ભારત અને ચીન વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે ભારતીયો અને ચીનાઓએ એકબીજાના દેશની ભાષા શીખવી જોઈએ તેમ ભારતનાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે કહ્યું હતું. આને કારણે એકબીજા વચ્ચેનો સંપર્કસેતુ સ્થપાશે અને એકબીજા વચ્ચેનો સંદેશાવ્યવહાર વધુ સરળ બનશે તેમ કહ્યું હતું. ભારત-ચીન વચ્ચેની મૈત્રીમાં હિન્દી ભાષાનું પ્રદાન વિષય પર તેઓ બોલી રહ્યા હતા. આ કાર્યક્રમમાં ચીનના અનેક વિદ્યાર્થીએ અને હિન્દી તજજ્ઞાએ ભાગ લીધો હતો.