નવી દિલ્હીઃ વિશ્વના જાણીતા રોકાણકાર જ્યોર્જ સોરોસે અદાણી મુદ્દે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સાંકળતું અને ભારતીય લોકશાહીને લગતું નિવેદન આપીને મોટો વિવાદ ઊભો કર્યો છે. સોરોસના દાવાને ફગાવી દેતાં ભાજપે તેને બકવાસ ગણાવ્યો છે. ભારતની લોકશાહી પરની સોરોસની ટિપ્પણીનો કોંગ્રેસે પણ વિરોધ કર્યો છે. સોરોસે દાવો કર્યો હતો કે ગૌતમ અદાણીના બિઝનેસ સામ્રાજ્યમાં ઉથલપાથલથી સરકારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પકડ નબળી પડશે.
ગુરુવારે મ્યુનિચ સિક્યોરિટી કોન્ફરન્સમાં આપેલા ભાષણમાં સોરાસે જણાવ્યું હતું કે અદાણી ગ્રૂપ સામેના આક્ષેપોના મામલે મોદી ચુપ છે, પરંતુ તેમણે વિદેશી રોકાણકારો અને સંસદના સવાલોના જવાબ આપવા પડશે. જોકે સોરોસે તેમના આ દાવા માટે કોઇ પુરાવા આપ્યા ન હતા.
તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ‘આનાથી ભારતની સંઘીય સરકાર પર મોદીની દબદબો નોંધપાત્ર રીતે નબળી પડી જશે અને ખૂબ જ જરૂરી સંસ્થાકીય સુધારાનો દરવાજો ખુલશે. હું ભલો-ભોળો હોઇ શકું છું, પરંતુ મને ભારતમાં લોકશાહીના પુનરુત્થાનની અપેક્ષા છે.’
કોન્ફરન્સમાં ક્લાઇમેટ ચેન્જ અંગે ભાષણ આપતા વખતે 92 વર્ષીય સોરોસ એક તબક્કે દમનકારી દેશોની વાત કરવા લાગે છે તથા ખુલ્લા અને બંધ સમાજ વચ્ચેનો તફાવત દર્શાવે છે. આ પછી જણાવે છે કે ભારત એક રસપ્રદ કિસ્સો છે. તે લોકશાહી છે, પરંતુ તેના વડા નરેન્દ્ર મોદી લોકતાંત્રિક નથી. ભારત ક્વાડનું સભ્ય છે, પરંતુ તે મોટા ડિસ્કાઉન્ટે રશિયાના ફ્રૂડ ઓઇલની ખરીદી કરે છે અને તેમાંથી ઘણી કમાણી કરે છે. આ પછી તેઓ તુર્કીના રેસેપ તૈયપ એર્દોગન તરફ વળે છે અને કહે છે કે મોદી અને એર્દોગનની વચ્ચે સમાનતા છે.
સોરોસે તેમના ભાષણમાં બ્રાઝિલ, રશિયા અને યુક્રેન સાથેના સંઘર્ષ, યુદ્ધમાં યુએસ પ્રમુખ જો બિડેનની ભૂમિકા અને છેલ્લે ચીન જેવા અન્ય દેશોમાં અંગે ટિપ્પણી કરી હતી. ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગે અંગે તેમણે જણાવ્યું હતું કે પુતિન સાથેના ગાઢ સંબંધોથી તેમને નુકસાન થશે. જિનપિંગની ઝીરો કોવિડ પોલિસી તેમનું સૌથી મોટું બ્લન્ડર હતું.
લોકશાહી પ્રણાલી પર પ્રહારઃ ભાજપ
ભાજપે જણાવ્યું હતું કે સોરોસ માત્ર નરેન્દ્ર મોદી જ નહીં, પરંતુ ભારતીય લોકશાહી પ્રણાલી પર હુમલો કરી રહ્યાં છે, જેથી તેમના દ્વારા પસંદ થયેલા લોકો ભારતમાં સરકાર ચલાવી શકે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કહ્યું કે ભારત વિરુદ્ધ યુદ્ધ શરૂ થઈ રહ્યું છે. ભારત પાંચમા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બન્યા પછી સોરોસ જેવા ટીકાકારોએ પ્રહાર ચાલુ કર્યા છે. અમેરિકા અને ફ્રાન્સના પ્રમુખો અને બ્રિટિશ વડાપ્રધાને મોદીની જાહેરમાં પ્રશંસાની કર્યા પછી ભારતના ટીકાકારો વિચલિત થયા છે.
લોકશાહીને સોરોસ સાથે નિસ્બત નથીઃ કોંગ્રેસ
સોરોસની ટિપ્પણીનો ઉલ્લેખ કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે ભારતની લોકશાહીને જ્યોર્જ સોરોસ સાથે કોઈ લેવાદેવા નથી તથા અદાણી વિવાદ ‘લોકશાહીનું પુનરુત્થાન’ કરશે કે નહીં તે કોંગ્રેસ, વિરોધ પક્ષો અને ભારતની ચૂંટણી પ્રક્રિયા પર નિર્ભર છે. નહેરુનો વારસો સુનિશ્ચિત કરે છે કે સોરોસ જેવા લોકો ચૂંટણી પરિણામો નક્કી કરી શકતા નથી.
જ્યોર્જ સોરોસ કોણ છે?
92 વર્ષના જયોર્જ સોરોસનો સમાવેશ વિશ્વના ટોચના ધનિકોમાં થાય છે. સોરોસનો જન્મ સમૃદ્ધ યહુદી પરિવારમાં થયો હતો. નાઝીના આગમનથી તેમણે હંગેરી છોડી દીધું હતું અને 1947માં લંડન આવ્યા. અભ્યાસ પછી, તેઓ લંડનની મર્ચન્ટ બેંક સિંગર એન્ડ ફ્રિડલેન્ડરમાં જોડાયા હતા. 1956માં સોરોસ ન્યૂ યોર્ક ગયા હતા. સોરોસે 1973માં હેજ ફંડની સ્થાપના કર્યા પછી રોકાણના બોલ્ડ નિર્ણયો લઈને નાણાકીય જગતમાં પોતાની ઓળખ બનાવી હતી. ફોર્બ્સના જણાવ્યા મુજબ, સોરોસે બ્રિટિશ પાઉન્ડમાં શોર્ટ સેલિંગ કરીને એક બિલિયન ડોલરનો નફો કર્યો હતો અને બેંક ઓફ ઈંગ્લેન્ડને મુશ્કેલીમાં મુકી હતી. બ્લૂમબર્ગ જણાવ્યા મુજબ સોરોસની કુલ સંપત્તિ 8.5 બિલિયન ડોલર છે અને તેઓ ઓપન સોસાયટી ફાઉન્ડેશનના સ્થાપક છે.