મોદી પર ચીની મીડિયા આફરીનઃ નહેરુ કરતાં પણ લોકપ્રિય ગણાવ્યા

Thursday 18th April 2019 06:02 EDT
 
 

બેઈજિંગઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીના પ્રચારમાં એકદમ વ્યસ્ત છે ત્યારે ચીનના અગ્રણી અખબારે મોદીના જોરદાર વખાણ કર્યા છે. ચીની મીડિયાનું કહેવું છે કે, મોદીએ પોતાના પાંચ વર્ષના કાર્યકાળમાં ભારત-ચીન સંબંધોને નવો મુકામ આપ્યો છે. ચીની મીડિયાએ આશા વ્યક્ત કરી છે કે આગળ કોઇપણ સરકાર બને ચીનની સાથે ભારતના આવા જ મજબૂત સંબંધ બની રહેશે. ચીની મીડિયા એ ચીનમાં લોકપ્રયિતાના મામલામાં મોદીને નહેરુ કરતાં પણ આગળ ગણાવ્યા છે.

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સમાં છપાયેલા એક સંપાદકીય લેખમાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટીને આ ચૂંટણીમાં કોંગ્રેસ સામે જોરદાર મુકાબલો સામનો કરવો પડી રહ્યો છે. એ કહેવું મુશ્કેલ છે કે આ વખતે ભાજપને પહેલાં જેવી બહુમતી મળશે કે નહીં, પરંતુ ડિપ્લોમેસીના મામલામાં જુઓ તો મોદી એ ગયા વર્ષે ભારતની તરફ દુનિયાનું ધ્યાન આકર્ષિત કરાવ્યું છે.

પાંચ વર્ષમાં પ્રગતિ

અખબારે કહ્યું કે ચીની સમાજ જે પહેલાં ભારતના પ્રત્યે ઓછું રસ દાખવતું હતું, ત્યાં મોદીની લોકપ્રિયતા અને પ્રભાવ પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ સહિત કોઇપણ ભારતીય નેતાના મુકાબલે વધુ છે. તમામ ઉતાર-ચઢાવ છતાંય બેઇજિંગ અને નવી દિલ્હીના સંબંધોમાં છેલ્લાં પાંચ વર્ષમાં જબરદસ્ત પ્રગતિ થઇ છે.

૨૦૧૪ની ચૂંટણીમાં મોદીને ચીની મીડિયામાં વ્યાપક કવરેજ મળ્યું હતું. વડા પ્રધાન બન્યા બાદ મોદીએ ચીની સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ખોલ્યું અને ચીનના નેટિજન સાથે સીધા જોડાયા. તેના લીધે ચીનમાં તેમની લોકપ્રિયતા વધુ વધી ગઇ. મોદીના લીધે ચીની મીડિયા એ ભારતનું કવરેજ વધાર્યું અને હવે ચીની સમાજ પોતાના આ પાડોશી દેશ પર વધુ ધ્યાન આપી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે મોદીએ ચીનની સત્તાવાર મુલાકાત તો એક જ વખત કરી છે, પરંતુ કેટલાય સંમેલનોમાં સામેલ થવા માટે કેટલીય વખત ચીન ગયા. ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગની સાથે મોદીએ સારા સંબંધો બનાવ્યા છે અને તેમના કાર્યકાળમાં બંને દેશોની વચ્ચે સંબંધ મજબૂત થયા છે.

મોદીનાં પ્રયાસો

અખબારે કહ્યું કે, મોદીના આ પ્રયાસોથી બંને દેશોની વચ્ચે દ્વિપક્ષીય વેપાર ૨૦૧૪ના ૭૦ અબજ ડોલરની સરખામણીમાં ૨૦૧૮મા વધી ૯૫.૫૪ અબજ ડોલર સુધી પહોંચી ગયું. બંને દેશોના લોકોની વચ્ચે પરસ્પર સંપર્ક પણ વધ્યો છે. મોદીના કાર્યકાળમાં અમેરિકા અને જાપાનની આપત્તિ છતાંય ભારત એશિયન ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ બેન્કમાં સામેલ થયું, જે ચીનની પહેલ પર શરૂ થઇ છે. બંને દેશોની વચ્ચે ઐતિહાસિક વિવાદ અને નવા વિરોધાભાસ છે, પરંતુ મોદી સરકાર ગૂઢ નિરપેક્ષ નીતિને અપનાવે છે. તેમ છતાંય અમેરિકાએ તેને ચીન પર કાબૂ મેળવવા માટે પોતાની રણનીતિમાં જોડવાનો પ્રયાસ કર્યો. જોકે ચીની મીડિયાએ કેટલીય એવી સમસ્યાઓની તરફ પણ ઇશારો કર્યો છે જેનાથી તેમના મતે મોદીએ કેટલાક મામલે નજરઅંદાજી કરી છે.

તિબેટ કાર્ડ રમ્યા

અખબારનું કહેવું છે કે ભારતે મસૂદ અઝહર પર પ્રતિબંધ મૂકવાના મામલામાં ચીન વિરોધી ભાવને વધવા દીધા. જેથી કરીને બંને દેશોની વચ્ચે સંબંધોને નુકસાન થયું. આ જ રીતે મોદી સરકારે દલાઇ લામાને રાષ્ટ્રપતિ ભવનમાં આમંત્રિત કર્યા અને તેમને અરુણાચલ પ્રદેશમાં જવાની મંજૂરી આપી એક રીતે ‘તિબેટ કાર્ડ’ રમ્યા છે.

ચીની મીડિયાએ ૨૦૧૭માં ડોકલામમાં ભારતીય સેનાઓ અને ચીનની સેનાની વચ્ચે ગતિરોધના મામલામાં પણ મોદી સરકારના વખાણ કર્યાં છે. અખબારે કહ્યું કે તાજેતરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલી ટકરાવના મામલાથી વિપરીત મોદીએ આ મામલામાં સીધો રસ દાખવ્યો અને આ દરમ્યાન ચીનની વિરુદ્ધ કોઇ શત્રુતાપૂર્ણ નિવેદન આપ્યું નથી. બંને દેશોના નેતાઓના દ્વિપક્ષીય સંબંધોના લીધે સ્થિતિ સામાન્ય થઇ ગઇ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter