કૈરોઃ ઇજિપ્તના બે દિવસના પ્રવાસે પહોંચેલા પ્રધાનમંત્રી મોદીએ શનિવારે ઇજિપ્તની રાજધાની કૈરોમાં ત્યાંના વડાપ્રધાન મુસ્તફા મૈડબૌલીના નેતૃત્વમાં ટોચના મંત્રીઓનાં જૂથ, ટોચના ઉદ્યોગપતિઓ, પ્રધાન મુફ્તી ડો. શોકી ઇબ્રાહીમ અબ્દુલ કરીમ અલ્લમ સાથે બેઠકો કરી હતી. આ સમયે પ્રધાન મુફ્તી ડો. અલ્લમે ધાર્મિક મુદ્દાઓ પર વડાપ્રધાન મોદીની ભરપૂર પ્રશંસા કરી હતી અને કહ્યું કે, વડાપ્રધાન ભારતમાં બધાને સાથે લઈને ચાલી રહ્યા છે.
પીઅમ મોદીએ ગ્રાન્ડ મુફ્તી સાથે કટ્ટરવાદ દૂર કરવા અંગે ચર્ચા કરી હતી. આ સિવાય પીએમ મોદીએ મધ્ય-પૂર્વ અને ઉત્તર આફ્રિકન ક્ષેત્રમાં સંચાલિત ઇજિપ્તની સૌથી મોટી કંપનીઓ પૈકી એકના સીઈઓ હસન અલ્લમ, જાણીતા લેખક અને પેટ્રોલિયમ સ્ટ્રેટેજિસ્ટ તારેક હેગી, બે યુવાન અગ્રણી યોગશિક્ષકો રીમ જબાક અને નદા અઠેલ સાથે મુલાકાત કરી હતી. તેમણે યુવા યોગ શિક્ષકોને ભારત આવવા આમંત્રણ આપ્યું હતું. આ સાથે પીએમ મોદીએ વિશ્વના સેવન વન્ડર્સમાં સામેલ ગિઝાના પિરામિડની પણ મુલાકાત લીધી હતી.