નવી દિલ્હી: અમેરિકાના પ્રમુખ જો બાઈડેને સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. બંને દેશના નેતાઓ વચ્ચે કોરોનાની મહામારી બાબતે ચર્ચા થઈ હતી. પ્રમુખ બાઈડેને ભારતને તુરંત હરસંભવ મદદ કરવાની ખાતરી આપી હતી. ખાસ તો વેક્સિનનું રો મટિરિયલ આપવાના મામલે ધરપત બંધાવી હતી. વડા પ્રધાન મોદીએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી: અમેરિકાના પ્રમુખ જો બાઈડેન સાથે કોરોનાની સ્થિતિ બાબતે વિગતવાર ચર્ચા થઈ. બંને દેશોમાં કેવી પરિસ્થિતિ છે તે અંગે વાતચીત થઈ હતી. અમેરિકન પ્રમુખે ભારતને મદદની તૈયારી બતાવી છે તે માટે હું તેમનો આભારી છું.
દોવલ કડી બન્યા
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવલ અને અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવન વચ્ચે વાતચીત થઈ, તેના બીજા દિવસે અમેરિકાના પ્રમુખ બાઈડેન અને વડા પ્રધાન મોદી વચ્ચે ટેલિફોનિક ચર્ચા થઈ હતી.
તબીબી સહાયની અમેરિકાની ખાતરી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે જો બાઈડેને વડા પ્રધાન મોદી સાથેની વાતચીત દરમિયાન ભારતને મેડિકલ સહાય કરવાની ખાતરી આપી હતી. વેક્સિનનું રો મટિરિયલ ભારતને આપવા માટે અમેરિકા પ્રતિબદ્ધ હોવાનું બાઈડેને ફોનમાં જણાવ્યું હતું અને ભારત તુરંત આ મહામારીના બીજા વેવમાંથી ઉભરે તેવી કામના કરી હતી.
બાઈડેન-મોદીની વાતચીતમાં ઓક્સિજન અને વેન્ટિલેટર્સ બાબતે ચર્ચા થઈ હતી. અમેરિકાએ પીપીઈ કિટથી લઈને ઓક્સિજન સુધી મેડિકલ મદદ આપવા તૈયારી બતાવી હતી. બાઈડેને ટ્વિટરમાં લખ્યું હતું કે ભારતે જે રીતે અમેરિકાને મુશ્કેલી વખતે મદદ કરી હતી તે રીતે હવે અમેરિકા પણ ભારતને મુશ્કલીમાં મદદ કરશે.
અક્કડ અભિગમ
અદાર પુનાવાલાએ એક મહિના પહેલાં જ અમેરિકાને અપીલ કરી હતી કે અમેરિકા વેક્સિનના રો મટિરિયલ પર લગાડેલા પ્રતિબંધ હટાવી લે તો ભારતના વેક્સિનેશન મિશનને વધુ મજબૂતાઈ મળે તેમ છે, પરંતુ અમેરિકાએ કોઈ કાર્યવાહી કરી ન હતી. ભારતના વિદેશ મંત્રાલયે તે માટેના ખાસ પ્રયાસો પણ કર્યા ન હતા. ભારતમાં સ્થિતિ ખરાબ થઈ પછી અમેરિકાના ચેમ્બર્સ ઓફ કોમર્સથી લઈને ભારતીય મૂળના પ્રભાવશાળી અમેરિકન નાગરિકોએ બાઈડેન સરકાર પર દબાણ વધાર્યું હતું. યુએસ સાંસદોએ પણ અપીલ કરી હતી. અમેરિકન મીડિયાએ તો ત્યાં સુધી કહ્યું કે ભારતે અમેરિકાના ખરાબ સમયમાં ગયા વર્ષે દવાઓ મોકલી હતી ત્યારે અમેરિકાએ હજુ સુધી કેમ મદદ કરી નથી? એ પછી બાઈડેન સરકાર સક્રિય થઈ હતી.