ક્વેટા: બલુચિસ્તાનની એક કાર્યકર્તા કરીમા બલોચે નરેન્દ્ર મોદીને રક્ષાબંધન પર્વે શુભેચ્છા પાઠવતાં બલુચિસ્તાનનો મુદ્દો ઉઠાવવા બદલ આભાર માન્યો છે. આ કાર્યકર્તાએ સાથે એમ પણ કહ્યું છે કે, ‘અમારો જંગ અમે જાતે જ લડીશું, પરંતુ અમે ઇચ્છીએ છીએ કે તમે અમારો અવાજ બનીને તે અવાજને વિશ્વ સુધી પહોંચાડો.’ કરીમાએ મોદીને રક્ષાબંધન પર્વે શુભેચ્છા પાઠવતાં એક વીડિયો પોસ્ટ કર્યો છે.
તે કહે છે કે, ‘બલુચિસ્તાનની એક બહેન તમને ભાઈ માનીને કાંઈક કહેવા માગે છે. મારું નામ કરીના બલોચ છે. હું બલુચિસ્તાન વિદ્યાર્થી સંગઠનની ચેરપર્સન છું. અમારાં લોકો પાકિસ્તાની લશ્કરને હાથે માર્યા ગયા છે કે પછી લાપત્તા કરી દેવાયાં છે. બલુચિસ્તાનની અનેક બહેનો પોતાના ભાઈઓની પ્રતીક્ષા કરી રહી છે. કદાચ તેઓ કદી પાછા નહીં ફરે અને બહેનોની પ્રતીક્ષા પૂરી નહીં થાય, પરંતુ રક્ષાબંધનના તહેવારે એટલું કહેવા માગું છું કે બલુચિસ્તાનની તમામ મહિલા તમને ભાઈ માને છે. તમને દરખાસ્ત કરે છે કે અહીં થઈ રહેલા માનવસંહાર અને માનવઅધિકાર ભંગ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય મંચ પર તમે બલુચિસ્તાનનો અવાજ બનો. બલુચિસ્તાનની એ બહેનોનો અવાજ કે જેમના ભાઈ લાપત્તા થયેલા છે.’ કરીમા કહે છે કે, ‘અમે અમારો જંગ જાતે જ લડીશું. અમે ઇચ્છીએ છીએ કે તમે અમારા જંગનો અવાજ બની જાઓ અને વિશ્વના દરેક ખૂણે અમારો અવાજ પહોંચાડો.’
ગુજરાતી ભાષામાં મોદીને આપવામાં આવેલા સંદેશામાં કહેવાયું છે કે, ‘તમે બલુચિસ્તાનનાં લોકો માટે જે રીતે ઊભા થયા છો તે બદલ અમે તમારા ખૂબ ખૂબ આભારી છીએ.’
આ અગાઉ પણ નાયલા કાદરી અને હમાલ હૈદર બલુચ નામના બે કાર્યકરો મોદીનો આભાર માની ચૂક્યા છે. હલામે કહ્યું હતું કે પાકિસ્તાને એ ના ભૂલવું જોઇએ કે તે અમારાં લોકો પર ફાઇટર પ્લેન દ્વારા બોમ્બ વરસાવે છે. તેણે વિશ્વ સમક્ષ આ બાબતનો જવાબ આપવો પડશે.