નવી દિલ્હીઃ ભારતની ચાર દિવસની મુલાકાતે આવેલા બાંગ્લાદેશના વડાં પ્રધાન શેખ હસીના અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મંગળવારે દ્વિપક્ષીય મંત્રણા બાદ અનેક મહત્ત્વના કરારો પર હસ્તાક્ષર થયા હતા. બંને દેશોએ આઈટી, અંતરિક્ષ અને ન્યૂક્લિયર એનર્જી જેવા સેક્ટરમાં સહયોગ વધારવાનું નક્કી કર્યું હતું. હૈદરાબાદ હાઉસમાં મંત્રણા બાદ બન્ને નેતાઓએ સંયુક્ત નિવેદન જારી કર્યું હતું. જેમાં જણાવાયું હતું કે ગયા વર્ષે અમે બાંગ્લાદેશની આઝાદીની ઉજવણી કરી હતી. અમે પ્રથમ મિત્રતા દિવસ પણ ઉજવ્યો. ભારત-બાંગ્લાદેશના સંબંધો આવનારા સમયમાં નવી ઊંચાઈઓને સ્પર્શશે. આજે, અમે કુશિયારા નદીના જળની વહેંચણી અંગે મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે 25 ઓગસ્ટના રોજ દિલ્હીમાં આયોજિત ભારત-બાંગ્લાદેશ સંયુક્ત નદી આયોગ (JRC) ની 38મી મંત્રી સ્તરીય બેઠકમાં સમજૂતી કરાર ને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. સામાન્ય નદીઓ પર પરસ્પર હિત માટે, આયોગની સ્થાપના 1972 માં સમસ્યાઓના ઉકેલ માટે દ્વિપક્ષીય પદ્ધતિ તરીકે કરવામાં આવી હતી.
બાંગ્લાદેશ ભારતનું સૌથી
મોટું વિકાસ ભાગીદાર
વડા પ્રધાન મોદીએ કહ્યું કે આજે બાંગ્લાદેશ ભારતનું સૌથી મોટું વિકાસ ભાગીદાર છે અને આ ક્ષેત્રમાં આપણું સૌથી મોટું વેપાર ભાગીદાર છે. લોકો વચ્ચે સહયોગમાં સતત સુધારો થઈ રહ્યો છે. વડા પ્રધાન મોદીએ કહ્યું કે અમે આઈટી, અંતરિક્ષ, ન્યૂક્લિયર એનર્જી જેવા સેક્ટરમાં પણ સહયોગ વધારવાનો નિર્ણય કર્યો. તેમણે વધુમાં કહ્યું કે ગત વર્ષ અમે બાંગ્લાદેશની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ, અમારા ડિપ્લોમેટિક સંબંધોની સુવર્ણ જયંતી, શેખ મુજીબુર્રહમાનની જન્મ શતાબ્દી એક સાથે ઉજવી હતી. મને વિશ્વાસ છે કે આગામી 25 વર્ષના અમૃત કાળમાં ભારત-બાંગ્લાદેશની મિત્રતા નવી ઊંચાઈએ સ્પર્શશે.
ભારત અને બાંગ્લાદેશે છેલ્લાં કેટલાંક વર્ષોમાં અનેક કનેક્ટિવિટી પહેલને ફરીથી શરૂ કરવા ઉપરાંત પ્રાદેશિક સહકાર માટે એક મોડેલ બનાવવા પર ભાર મૂક્યો છે. જો આમ જ સહયોગ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં અખૌરા-અગરતલા રેલ લિંક ટૂંક સમયમાં ફરી ખુલશે અને એવી પણ ધારણા છે કે થોડા અઠવાડિયામાં અગરતલા અને ચિત્તાગોંગ વચ્ચે હવાઈ સેવા પણ શરૂ થઈ જશે.
ભારતનો પડોશી દેશ છે બાંગ્લાદેશ
બાંગ્લાદેશ ભારતનું પડોશી રાષ્ટ્ર હોવાને કારણે, ઢાકા ભારતની નેબર ફર્સ્ટ પોલિસી હેઠળ નવી દિલ્હીનું મહત્વપૂર્ણ ભાગીદાર છે. સંરક્ષણ સહયોગ વેપાર અને વાણિજ્ય, ઉર્જા અને ઉર્જા, પરિવહન અને કનેક્ટિવિટી, વિજ્ઞાન અને ટેકનોલોજી, સંરક્ષણ, નદીઓ અને દરિયાઈ બાબતો સહિત તમામ ક્ષેત્રોમાં ફેલાયેલો છે. બાંગ્લાદેશ અને ભારત વચ્ચે સંસ્કૃતિ, આર્થિક નીતિ, ઇતિહાસ, ભાષા, ધર્મમાં ઘણી સમાનતાઓ છે. બાંગ્લાદેશની આઝાદીમાં ભારતે મહત્વની ભૂમિકા ભજવી છે.