નવી દિલ્હી: ચાલુ સપ્તાહમાં સિંગાપોરના બે દિવસના પ્રવાસ દરમિયાન વડા પ્રધાન મોદી ઈસ્ટ એશિયા સમિટ (ઈએએસ), આશિયાન-ઈન્ડિયા ઈન્ફોર્મલ મિટ, રિજિયોનલ કોમ્પ્રેહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશીપ (આરસીઈપી)માં ભાગ લેશે. આ ઉપરાંત મોદી આ પ્રવાસ દરમિયાન અમેરિકાના ઉપપ્રમુખ માઈક પેન્સ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. મોદી ૧૪ નવેમ્બરે સવારે ૩૬ કલાક માટે સિંગાપોર પહોંચશે. તેઓ સૌ પ્રથમ ફિનટેક સમિટને સંબોધશે તેમ વિદેશ બાબતોના મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારત સરકાર સિંગાપોરમાં એપીઆઈએક્સ પ્લેટફોર્મ લોન્ચ કરશે. આશિયાન દેશોએ નાણાકીય સંસ્થાઓને એક પ્લેટફોર્મ પર લાવવાનો પ્રયાસ કર્યો છે. સાંજે મોદી સેકન્ડ રિજિયોનલ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશીપ સમિટમાં ભાગ લેશે. આ સમિટમાં ૧૬ દેશોના નેતાઓ ભાગ લઈ રહ્યાં છે. આરસીઈપીમાં ૧૬ સભ્ય દેશો છે. જેમાં બ્રુનેઈ, કંબોડિયા, ઈન્ડોનેશિયા, મલેશિયા, મ્યાનમાર, સિંગાપોર, થાઈલેન્ડ, ફિલિપાઈન્સ, લાઓ, વિયેતનામ, ભારત, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલેન્ડનો સમાવેશ થાય છે અને છેલ્લે વડા પ્રધાન મોદી અમેરિકાના ઉપપ્રમુખ માઈક પેન્સ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. મોદી અને પેન્સ વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા એવા સમયે થઈ રહી છે. જ્યારે અમેરિકાએ તાજેતરમાં ભારતને ઈરાન પાસેથી ઓઈલ ખરીદવાની છૂટ આપી છે. ત્યારબાદ ૧૫ નવેમ્બરે વડા પ્રધાન મોદી આશિયાન-ભારત બ્રેકફાસ્ટ સમિટમાં ભાગ લેશે.