ઢાકાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બાંગ્લાદેશના બે દિવસના પ્રવાસે પહોચ્યા ત્યારે ઢાકા એરપોર્ટ પર બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ તેમનું સ્વાગત કર્યું. ગાર્ડ ઓફ ઓનરની સલામી ઝીલ્યા બાદ તેઓ ઢાકાના નેશનલ પરેડ સ્કવેરમાં નેશનલ ડે કાર્યક્રમમાં સામેલ થયા. આ પ્રસંગે આપેલા ભાષણમાં તેમણે બાંગ્લાદેશની આઝાદીમાં ઇન્દિરા ગાંધીની ભૂમિકાના વખાણ કર્યા. આ પહેલા ૧૨ માર્ચે દાંડી માર્ચે આયોજિત કાર્યક્રમમાં તેમણે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના વખાણ કરીને બધાને ચોંકાવી દીધા હતા. આ રીતે મોદીએ ૧૪ જ દિવસની અંદર નેહરુ-ઇન્દિરા બંનેના વખાણ કર્યા.
આ પ્રસંગે મોદીએ કહ્યું કે, આ પ્રસંગ બંગબંધુના વિઝન અને આદર્શોને યાદ કરવાનો છે. બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામને ભારતના ખૂણે ખૂણામાં, દરેક પક્ષનું અને સમાજના દરેક વર્ગનું સમર્થન હતું.
તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના પ્રયાસ અને તેમની મહત્ત્વની ભૂમિકા જગજાહેર છે. બાંગ્લાદેશની આઝાદીના સંઘર્ષમાં સામેલ થવું એ મારા જીવનના પહેલા આંદોલનોમાંનું એક છે. તે વખતે મારી અનેક સાથીદારોએ બાંગ્લાદેશના લોકોની આઝાદી માટે સત્યાગ્રહ કર્યો હતો.